શિયાળાની ઋતુ પોતાની સાથે કેટલાય પ્રકારની પરેશાનીઓ લઇને આવે છે. તેમાંથી એક છે સાંધાનાં દુખાવાની સમસ્યા. ઠંડીની સીઝનમાં મોટાભાગના લોકોને ખાસ કરીને વૃદ્ધ લોકોને હાડકાં અને સાંધામાં દુખાવો થવા લાગે છે. દવાઓ અને માલિશ ઉપરાંત ખાણી-પીણીની કેટલીક વસ્તુઓ પણ સાંધાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. જાણો તેના વિશે…
કેસર-હળદરનું દૂધ :-

કેટલાય રિસર્ચમાં દાવો કરવામાં આવી ચુક્યો છે કે હળદર સંધિવાના દુખાવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હળદરમાંથી મળી આવતાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે. ત્યારે દૂધ કેલ્શિયમનું ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ઠંડીની ઋતુમાં એક ગ્લાસ ગરમ હળદરના દૂધમાં કેસર મિક્સ કરીને પીઓ. તેનાથી તમારાં હાડકાંનાં દુખાવાની સમસ્યા દૂર થશે.
ગુંદર-ગોળના લાડુ :-

ગુંદરના લાડુ કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે ડિલીવરી બાદ મોટાભાગની મહિલાઓને ગુંદર-ગોળના લાડુ ખાવા માટે આપવામાં આવે છે. લાડુ બનાવવા માટે વપરાતી વસ્તુઓ શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવાની સાથે હાડકાંને મજબૂત બનાવે છે.
સંતરા અને ગાજરનું ડિટૉક્સ ડ્રિન્ક :-

પોતાના ડાયેટમાં ડિટૉક્સ ડ્રિન્ક જરૂર સામેલ કરો. તેમાં ઉપયોગમાં લેવાતાં સંતરા, ગાજર અને આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરીની સાથે કેલ્શિયમનું પણ સારું પ્રમાણ મળી આવે છે. આ ડ્રિન્ક હાડકાંને મજબૂત બનાવે છે અને દુખાવાને દૂર કરે છે.
જામફળ અને પનીરનું સલાડ :-

જામફળમાં, કાપેલું પનીર, ગોળ અને થોડીક આમલી નાંખીને સલાડ તૈયાર કરી લો. શિયાળામાં આ સલાડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જામફળ અને પનીરમાં કેલ્શિયમ હોય છે જે સાંધાના દુખાવાને ઘટાડે છે. તમે તમારા સ્વાદ અનુસાર આ સલાડમાં વધુ પૌષ્ટિક વસ્તુઓ નાંખી શકે છે.
બ્રોકલી અને બદામનું સૂપ :-

શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ સૂપ ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રોકલી અને બદામમાં કેલ્શિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. ઠંડીની ઋતુમાં આ સૂપ હાડકાં માટે ટૉનિકનું કામ કરે છે.