વાઘ-વાઘણ-સિંહ અને સિંહણ જેવા સસ્તન પ્રાણીઓ પણ ખતરનાક કોરોનાથી સંક્રમિત થઈ શકે છે અને આ સંક્રમિતતાના અમેરિકાના ન્યૂયોર્ક અને સ્પેનના બાર્સેલોના પ્રાણી સંગ્રહાલયમાં બનાવો બનતા દેશના પ્રાણી સંગ્રહાલયો સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કાંકરિયા સ્થિત પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓ સતર્ક બની ગયા છે અને આવા મોટા સસ્તન પ્રાણીઓ કોરોનાના ચેપથી સંક્રમિત ન થાય તેની કાળજી અને વ્યવસ્થા વધુ સઘન બનાવી છે.

દેખીતી રીતે જ ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલય કહો કે ઝૂમાં કોરોના કાળના પ્રથમ તબક્કે જ ચાર વાઘ અને ત્રણ સિંહ, કોરોનાથી સંક્રમિત થયા હતા. તે ઝડપી સારવાર બાદ સાજા થયા હતા. તો વળી તાજેતરમાં સ્પેનના બાર્સેલોનાના ‘ઝૂ’માં સિંહ અને સિંહણ પણ કોરોના સંક્રમિત થતા ભારતના ઝૂ સત્તાવાળાઓ સફાળા જાગ્યા છે અને વ્યવસ્થા સઘન બનાવી છે.

કહે છે કે પરદેશના આ ઝૂના તેના એનિમલ કીપરને કોરોના થતા તેના સ્પર્શના કારણે વાઘ-સિંહને કોરોના થતા તેનો પી.સી.આર ટેસ્ટ કરાવવામાં આવતા આ મોટા પ્રાણીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જણાયું હતું.

કાંકરિયા ઝૂના .ડાયરેક્ટર ડો. આર.કે સાહુએ આ સંદર્ભમાં એમ જણાવ્યું હતું કે, હાં… એ વાત સાચી છે કે વાઘ, વાઘણ, સિંહ, સિંહણ, દીપડા-દીપડી અને હાથીને પણ કોરોના સંક્રમિત થઈ શકે છે. પરદેશમાં આમ બનવાનું કારણ એ પ્રાણીના રખેવાળોને કોરોના થતા તે પ્રાણીઓને કોરોના થયો હતો.

પરદેશના ઝૂમાં તેના રખેવાળો પ્રાણીઓ સાથે રોજ સીધો સંપર્ક એટલે કે, તેના શરીરના કોઈ પણ ભાગમાં સ્પર્શ કરે છે, પંપાળે છે, સ્નાન કરાવે છે એ તો ઠીક પણ કેટલાંક તો પોતાના ઘર કે મોટા હાઉસ કે ફાર્મમાં વાઘ, સિંહ, દીપડા પાળે છે, ગેલ-ગમ્મત કરે છે અને પરિવારના એક સભ્યની જેમ વર્તન કરે છે પરિણામે તેના રખેવાળને કોઈપણ વાઇરલ રોગ થયો હોય તો તે રોગ ઝડપથી પાળેલા પ્રાણીઓને અવશ્ય થાય છે જ. કંઈક કોરોનાનું સંક્રમણ પણ આ રીતે જ થયું હશે.

તેમણે જણાવ્યું કે, આપણા કાંકરિયા ઝૂમાં આવા પ્રાણીના રખેવાળ એટલે કે, એનિમલ કીપરને મોટા પ્રાણીઓના પાંજરામાં જવાની કે, પંપાળવાની જ નહીં અથવા તો તે માંદા પડે તો પણ સીધા સંપર્કમાં આવવા પર પાબંદી છે. જેથી સીધા સ્પર્શનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

આ પ્રાણીના પાંજરામાં સાફ-સફાઈ કરવી હોય તો જે તે પ્રાણીને પાસેના બીજા પાંજરામાં ખસેડીને કરવામાં આવે છે. કોરોના મહામારી શરૂ થતા જ ઝૂના તમામ મોટા પ્રાણીઓ અને અન્ય પ્રાણીઓના પાંજરામાં એન્ટિ વાઇરલ લિક્વિડથી સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here