ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ખાતેની પ્રથમ ટેસ્ટ બાદ ભારત પરત ફરી જવાનો છે. તેની પત્ની અનુષ્કા શર્મા પ્રેગનન્ટ છે અને સંતાનને જન્મ આપે ત્યારે તેની સાથે રહેવા માટે કોહલીએ આ નિર્ણય લીધો છે. ત્યાર બાદ બાકી રહેલી ત્રણ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની આગેવાની અજિંક્ય રહાણે લેવાનો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની અને કોમેન્ટેટર ઇયાન ચેપલને રહાણે પાસેથી ઘણી અપેક્ષા છે. તેમને એવી અપેક્ષા છે કે રહાણેની આક્રમક શૈલી ભારતીય ટીમને લાભ કરાવશે.

ઇયાન ચેપલે જણાવ્યું હતું કે મેં તેને 2017માં ધરમશાલા ખાતે ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટમાં કપ્તાની કરતો જોયો છે. તેની કામગીરી પ્રશંસનીય રહી હતી અને તે હકીકતમાં આક્રમક કેપ્ટન છે. આમ કહીને ચેપલે એ સમયે રહાણેની કપ્તાનીની કેટલીક બાબતો વિશે વાત કરી હતી જે તેમને પસંદ પડી હતી. ચેપલે કહ્યું કે મને કેટલીક બાબતો યાદ છે. ડેવિડ વોર્નર આક્રમક બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રહાણેએ પહેલી ટેસ્ટ રમનારા કુલદીપ યાદવને બોલિંગ આપી હતી અને તેણે વોર્નરને આઉટ કરી દીધો હતો.
ચેપલે ઉમેર્યું હતું કે ત્યાર બાદ ભારતને નાનો ટારગેટ વટાવવાનો હતો ત્યારે બે વિકેટ પડી ગઈ હતી. રહાણે મેદાનમાં આવ્યો અને આક્રમક બેટિંગ (27 બોલમાં 38 રન) ફટકાર્યા હતા. મને તેનું આ વલણ ગમી ગયું હતું. કેપ્ટન તરીકે તમારી પાસે બે વિકલ્પ હોય છે. આક્રમક અને ડિફેન્સ. રહાણેએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને આ પ્રકારન રમત જ ટેસ્ટ મેચમાં ટીમને સફળતા અપાવે છે.