યુએસમાં કોરોનાની બે રસી મંજૂરી માટે આખરી પડાવે પહોંચી છે ત્યારે બુધવારે એક જ દિવસમાં કોરોનાના ચેપને કારણે 3054 જણાના મોત થતાં મહામારી ઓર વિકરાળ બની હોવાનું સમજાય છે. અગાઉ સાત મેના રોજ સૌથી વધારે 2,769 જણાના એક જ દિવસમાં મોત થયા હતા. યુએસમાં સાત દિવસની સરેરાશના હિસાબે પણ મોતની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. બુધવારે કોરોનાના 2,10,000 કેસો નોંધાયા હતા અને 1,06,88 જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યુએસમાં સાત દિવસની સરેરાશના હિસાબે પણ મોતની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો
દુનિયામાં કોરોનાના નવા 2,28,220 કેસો નોંધાવા સાથે કુલ કેસોની સંખ્યા 69,452,015 થઈ છે જ્યારે 4700 જણાના મોત થવા સાથે કુલ મરણાંક વધીને 15,80,000 પર પહોંચ્યો છે. બીજી તરફ યુએસમાં નાના અને મધ્યમ કદના શહેરોમાં માસ્ક પહેરવાના મુદ્દે લડાઈઓ ચાલુ થઈ છે. એક સમયે કોરોના મહામારીથી બચવા માટે આ નાના શહેરો સલામત ગણાતાં હતા પણ હવે કોરોનાનો ચેપ નાના શહેરોમાં પણ પ્રસરવા માંડયો છે. ઇડાહોમાં બોઇસે અને કેલિફોર્નિયામાં સાક્રામાન્ટો કાઉન્ટીમાં માસ્ક પહેરવા અને નિયંત્રણો લાદવાના મુદ્દે ઝઘડાં થતાં તેમને બેઠકો રદ કરવાની નોબત આવી હતી. વિરોધીઓએ તેમની ચેમ્બર્સના બારણાં પર હાથ પછાડતાં તેમણે મિટિંગ સસ્પેન્ડ કરી દીધી હતી.

વિરોધીઓએ તેમની ચેમ્બર્સના બારણાં પર હાથ પછાડતાં તેમણે મિટિંગ સસ્પેન્ડ કરી દીધી હતી.
સાઉથ ડાકોટામાં પણ રેપિડ સિટીના મેયરે શહેરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાના મુદ્દે નગરસેવકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. યુરોપમાં જર્મનીમાં પણ કોરોનાના કારણે થતાં દૈનિક મરણની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. આંશિક લોકડાઉન હોવા છતાં કોરોનાનો ચેપ બેકાબૂ બની પ્રસરી રહ્યો છે. રશિયામાં પણ તેના નવ ટાઈમઝોનમાં કોરોના વાઇરસ પૂરઝડપે પ્રસરી રહ્યો છે. રવિવારે 29,093 નવા કેસો નોંધાયા હતા. કોરોના મહામારીના બીજા મોજાની અસર રશિયાના આંતરિક વિસ્તારોમાં મોટાપાયે જોવા મળી છે. અહીં 70 ટકા કરતાં પણ વધારે કોરોનાના કેસો સક્રિય છે અને અહીં મોસ્કો જેવી આધુનિક આરોગ્ય સુવિધાઓ પણ નથી.

દરમ્યાન સિંગાપોરમાં રોયલ કેરિબિયન ક્રૂઈઝ ટુ નોવ્હેરના 1700 પેસેન્જરોને તેમની કેબિનમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. જહાજમાં કોરોનાનો એક દર્દી હોવાનું જણાતાં આ આદેશ આપવામાં આવ્યો હતો. હવે જહાજને ફરી બંદરે લાંગરવાની નોબત આવશે તેમ મનાય છે. તમામ પેસેન્જરોએ ક્રૂઈઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પણ 83 વર્ષના એક પુરૂષે જહાજના મેડિકલ સેન્ટરમાં ઝાડા થયા હોવાની ફરિયાદ કરતાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાયું હતું. દરમ્યાન ચીનમાં ચાર્ટર ફ્લાઈટના કેબિન ક્રૂને જ્યાં કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય ત્યાં ડિસ્પોઝેબલ ડાયાપર્સ પહેરવાની એવિએશન રેગ્યુલેટર દ્વારા સલાહ આપવામાં આવી છે.

હવે રસીનો રાષ્ટ્રવાદ વકરી રહ્યો છે યુએનના મહામંત્રીની ચેતવણી
યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે કોરોના રસીનો રાષ્ટ્રવાદ પૂરઝડપે વકરી રહ્યો છે જેને કારણે દુનિયાભરના ગરીબ દેશોની જનતા વિચારી રહી છે કે તેમને રસી મળશે કે કેમ. તેમણે આ ગ્રહ પર ખાસ કરીને આફ્રિકામાં દરેક જણને દરેક જગ્યાએ કોરોનાની રસી મળે તે બાબત પર ફરી ભાર મુકી જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવાક્સ પ્રોગ્રામ માટે આગામી બે મહિનામાં 4.2 બિલિયન ડોલરની જરૂર છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં વિશ્વના ગરીબ લોકો માટે કોરોનાની રસી ખરીદી તેમને ડિલિવર કરવામાં આવશે. યુકે, રશિયામાં કોરોનાની રસી મુકાવાની શરૂ થઈ ચૂકી છે.
વિશ્વના ગરીબ લોકો માટે કોરોનાની રસી ખરીદી તેમને ડિલિવર કરવામાં આવશે
કેનેડામાં પણ ફાઇઝરની રસીરને બુધવારે મંજૂરી આપી દેવામાં આવી છે. યુએસમાં પણ ફાઇઝરની રસીને મંજૂરી મળવાની તૈયારી છે. ગરીબ દેશોની પ્રજા આ દેશોમાં રસીકરણના સમાચાર જોઈ વિમાસે છે કે તેમના સુધી રસી પહોંચશે કે કેમ. ગુટેરેસે જણાવ્યું હતું કે આફ્રિકાના 54 દેશોમાં 2.2 મિલિયન કોરોનાના કેસો નોંધાયેલાં છે. અને 53,000 લોકોના મોત થયા છે. ગુટેરેસે જણાવ્યું હતું કે રસી અને અન્ય ઉપાયો યોજવાથી કોરોના મહામારીને નાથવાની આશા છે પણ તેનો અંત લાવવા માટે રસી દરેક જણને મળવી જરૂરી છે. મોટાભાગના આફ્રિકન દેશો નાણાંના અભાવે કોરોનાની રસી ખરીદી શકવાની સ્થિતિમાં નથી.