અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલેક્ટેડ પ્રમુખ જો બિડેનના બિઝનેસમેન પુત્ર હંટર બિડેન સામે ટેક્સચોરી અને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તપાસનો આદેશ આપ્યો છે. અમેરિકાના ન્યાય વિભાગે ટ્રમ્પના ઈશારે બિડેનના પુત્ર હંટરને ટેક્સચોરી મુદ્દે સમન્સ પાઠવ્યું છે. બિડેનના સમર્થકો આ પગલાંને રાજકીય કાવતરું ગણાવી રહ્યા છે.
જો બિડેનના પુત્ર હંટર મુદ્દે અગાઉ પણ ટ્રમ્પ ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે. હંટરને ફસાવવા માટે યુક્રેનના પ્રમુખ પર ટ્રમ્પે દબાણ કર્યાનો આરોપ ગયા વર્ષે લાગ્યો હતો. એ પછી ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ ઉપલા ગૃહમાં બહુમતિ હોવાથી ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા આગળ વધી ન હતી.

ચૂંટણી પહેલાં પણ ટ્રમ્પે હંટરના બિઝનેસ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા
ચૂંટણી પહેલાં પણ ટ્રમ્પે સતત હંટર મુદ્દે બિડેનની ટીકા કરી હતી. બિડેન પરિવાર સૌથી ભ્રષ્ટ છે – એવો આરોપ સતત ટ્રમ્પે મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ટર્મ પૂરી થાય તે પહેલાં જ ન્યાય વિભાગે હંટર બિડેનને ભ્રષ્ટાચાર મુદ્દે સમન્સ પાઠવ્યું છે. ટેક્સમાં ગરબડ થયા મુદ્દે અમેરિકન સરકારે નોટિસ પાઠવી હોવાનું ખુદ હંટર બિડેને કહ્યું હતું.

હંટર બિડેનના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે સરકારના ન્યાય વિભાગે જે નોટિસ પાઠવી છે, તેનો કાયદાકીય રીતે જવાબ આપવાની તૈયારી ચાલી રહી છે. હું આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યો છુૅ અને સરકારી અધિકારીઓને પૂરોપૂરો સહકાર આપીશ.
ન્યાય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હંટર સામે અત્યારે તપાસ શરૃ કરવામાં આવી નથી, પરંતુ એક વર્ષથી એ મુદ્દે તપાસ ચાલી રહી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે જો બિડેન હજુ પ્રમુખપદના ઉમેદવાર બન્યા પણ ન હતા તે પહેલાંથી જ હંટર સામે તપાસ ચાલી રહી છે. એ કેસમાં જ હંટર બિડેનની પૂછપરછ થઈ રહી છે. બીજી તરફ જો બિડેનના સમર્થકો ટ્રમ્પના આ પગલાંને રાજકીય ગણાવી રહ્યા છે. બિડેનના સમર્થકોએ એવો આરોપ લગાવ્યો હતો કે હંટરને ભ્રષ્ટાચારના આરોપમાં ફસાવીને ટ્રમ્પ બિડેનને બદનામ કરવા માગે છે.