• ફાયર બ્રિગેડમાં અપૂરતા માણસો હોવાથી તમામ મહાપાલિકા-પાલિકામાં કોન્ટ્રાક્ટરને ગોઠવી દેવામાં આવશે
  • સરકારની વિવિધ એજન્સીઓ બિલ્ડિંગ પર રેન્ડમ તપાસ કરી યોગ્ય રીતે પ્રમાણીત છે કે નહીં તેની ખાતરી કરશે

અમદાવાદની શ્રેય હોસ્પિટલ સહિત હોસ્પિટલ અને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાં આગની ઘટના બની રહી છે, ત્યારે હવે ગુજરાત સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની સ્થિતિમાંથી બહાર આવીને નવી ફાયર સેફ્ટી પોલીસી બનાવી રહી છે, જેમાં જે તે ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવશે, આ ઉપરાંત ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ ખાનગી એજન્સી જ આપે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

ખાનગી કંપની બિલ્ડિંગની ચકાસણી કરશે
હાલ રાજ્યના દરેક શહેરમાં ફાયર સેફ્ટીની જવાબદારી જે-તે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. જો કે,કોર્પોરેશન કે અન્ય લોકલ સરકારી ખાતામાં પૂરતા માણસો નથી કે જે દરેક બિલ્ડિંગમાં જાતે જઈ ફાયર સેફ્ટીની તપાસ કરી શકે. તેવા હવે હવે સરકાર નવી પોલીસી થકી ખાનગી એન્જિનિયર અને એજન્સીને આ કામ સોંપશે અને તેઓ બિલ્ડિંગમાં જઈ ફાયર સેફ્ટીને સર્ટિફાઈ કરવાની કામગીરી કરશે.

સ્થાનિક ઓથોરિટીની દેખરેખ હેઠળ કામ કરશે
આ નવી નીતિ પ્રમાણે સ્થાનીક અધિકારીઓની સાથે રહી ફાયર સેફ્ટી એજન્સીઓએ જે-તે બિલ્ડિંગના ઈન્સ્ટોલેશન દરીમયાન ફાયર સેફ્ટીને કેવી રીતે નિયંત્રીત કરી શકાય તેની તપાસ કરવાનું, ઈમારતોને પ્રમાણિત કરવાનું, સ્થાનિક ઓથોરીટીની દેખરેખ હેઠળ ખાનગી એજન્સીઓએ કામ કરવાનું રહેશે. રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ બિલ્ડિંગ પર રેન્ડમ તપાસ કરશે કે જેથી ખાતરી કરવામાં આવે કે તેઓ યોગ્ય રીતે પ્રમાણીત છે અને કોઈ ચેડા થયા નથી. આ નવી નીતિમાં એજન્સીઓ દ્વારા જે-તેમકાન માલિકોને પ્રમાણપત્ર આપવામાં આવશે કે તેમનું મકાન-બિલ્ડિંગ સલામત છે અને જો ન હોય તો દંડનીય કાર્યવાહીની દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના છે.

નવી પોલિસીના યોગ્ય અમલ માટે લાયક કર્મીઓની નિમણૂંક કરાશે
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સુરતમાં તક્ષશિલામાં આગનો ગંભીર બનાવ બન્યો હતો. જ્યારે આ વર્ષે અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીએ તાજેતરમાં જ શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત એજન્સીઓને અગ્નિ સલામતી માટે નવી નીતિના નિર્દેશ આપ્યા હતા અને હવે સંસ્થાઓની એજન્સીઓ ફાયર ફાયટરનું કામ કરશે અને સરકાર એન્જિ. કોલેજો અને એજન્સીઓને આ અંગેની તાલીમ આપશે. આ નવી ફાયર સેફ્ટી પોલીસીનો યોગ્ય અમલ થાય તે માટે સરકાર લાયક કર્મચારીઓની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here