ફ્રાન્સમાં વધી રહેલા ઇસ્લામિક કટ્ટરવાદને નિયંત્રિત કરવા માટે સરકાર એક નવું બિલ લઈને આવી છે, જે અંતર્ગત મહિલાઓ અને પુરૂષો માટે અલગ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા બંધ કરી દેવાશે અને ત્રણ વર્ષથી જ બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દેશમાં આવો કાયદો લાવીને ‘ઈસ્લામિક કટ્ટરવાદ’ સામે લડવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેને લઈને દેશનાં પ્રમુખ ઈમ્મેન્યુઅલ મેક્રોં મુસ્લિમ વસ્તી અને દેશોના નિશાના પર રહ્યા છે.

ધાર્મિક સંગઠનોને લઈને નિયમો
પ્રસ્તાવિત કાયદા Supporting Republican Principles દ્વારા ઘર પર અભ્યાસ કરવા સામે, મસ્જિદો અને એવા સંગઠનો પર નિયમ લાગુ કરાયા છે, જે ફ્રાન્સના મૂલ્યોની વિરૂદ્ધ કોઈ વિચારધારાને પ્રોત્સાહન આપતા હોય. તે અંતર્ગત ત્રણ વર્ષની ઉંમર પછી બાળકોની હોમ-સ્કૂલિંગની મંજૂરી માત્ર વિશેષ પરિસ્થિતિમાં જ આપવામાં આવશે. તે અંતર્ગત ગેરકાયદે ચાલતી સ્કૂલો પર લગામ લગાવવાની વાત કહેવાઈ રહી છે, જ્યાં કોઈ ખાસ એજન્ડા અંતર્ગત શિક્ષણ આપવામાં આવતું હોય.
મસ્જિદોની ફરજીયાત રજિસ્ટ્રેશન
તે ઉપરાંત મસ્જિદોને પૂજાસ્થળ તરીકે રજિસ્ટર કરાશે, જેથી તેને વધુ સારી રીતે ઓળખી શકાય. કોઈ જજને આતંકવાદ, ભેદભાવ, નફરત કે હિંસાના દોષીને મસ્જિદમાં જતા રોકવાનો પણ અધિકાર હશે. 10 હજાર યુરોથી વધુ વિદેશી ફંડિંગ થવા પર તેને જાહેર પણ કરવાનું રહેશે. તો, એકથી વધુ લગ્ન કરનારાને રેસિડન્ટ કાર્ડ પણ આપવામાં નહીં આવે.
બિલનો વિરોધ થશે તે નક્કી
આ બિલમાં સીધે-સીધો ઈસ્લામ કે મુસ્લિમોનો ઉલ્લેખ નથી કરાયો, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આગામી મહિનામાં જ્યારે તે સંસદમાં રજૂ થશે ત્યારે ઉગ્ર દલીલો થશે. આંતરિક બાબતોના પ્રધાન જેરાલ્ડ ડરમેનિનનું કહેવું છે કે, મેક્રોંએ તેમને ખ્રિસ્તી-વિરોધી, યહુદી-વિરોધી અને મુ્સ્લિમ-વિરોધી કાયદા સામે લડવા માટે સંસદીય મિશન તૈયાર કરવા માટે કહ્યું છે.
દેશનાં 1905ના કાયદામાં ફેરફારનો પણ પ્રસ્તાવ
તો, દેશના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે એ વાત પર ભાર આપ્યો કે, બિલ મુસ્લિમ કે કોઈ અન્ય ધર્મની વિરુદ્ધ નથી. તેમણે જણાવ્યું કે, બિલમાં દેશનાં 1905ના કાયદામાં ફેરફારનો પણ પ્રસ્તાવ છે, જેમાં ચર્ચને સરકારથી અલગ કરી ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર સુનિશ્ચિત કરાયું છે. તેમણે કહ્યું કે, મૂલ્યો, પરંપરાઓ અને ખતરામાં ફેરફારના કારણે ધર્મનિરપેક્ષતા કાયદા અને 1901ના એ કાયદામાં ફેરફારની જરૂર છે, જેના નિયમ અસોસિએશન પર લાગુ પડે છે.