• હોમ આઇસોલેશનમાં કોરોનાની સારવાર લેતા લોકો ઘરમાં ઓક્સિજન બોટલ રાખતા થયા, તેથી માગ વધી
  • કુલ વપરાશના ત્રીજા ભાગની સયાજી-ગોત્રી હોિસ્પટલમાં જ ખપત

કોરોનાને લીધે વડોદરામાં ઓક્સિજન સિલિન્ડરની માગ 5 ગણી વધી છે. બીજી તરફ હોસ્પિટલોને નવા સિલિન્ડર માટે 60 દિવસનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. કારણ કે કંપનીઓ અને સર્વિસ પ્રોવાઇડરો પાસે જે સ્ટોક હતો તે હવે પૂરો થઇ ગયો છે. બીજી તરફ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતા અને ઘરે રહીને હોમ આઇસોલેશનમાં સારવાર લેતા લોકો પૈકીના ઘણાખરા માત્ર ગભરાઇને પણ પોતાના ઘરે ઓક્સિજન બોટલ રાખતા થયા છે. જેને લીધે આ ડિમાન્ડમાં વધારો થયો છે.

શહેરના ઓક્સિજન સર્વિસ પ્રોવાઇડર કહે છે કે, ‘ કોરોના અગાઉ વડોદરામાં ઓક્સિજનની ડિમાન્ડ 15 લાખ લિટરની હતી. જ્યારે આજની તારીખે રોજના 6 કરોડ લીટર ઓક્સિજન કોરોના દર્દીઓ માટે વપરાઇ રહ્યો છે. આ પૈકીનો 12થી 15 ટન એસએસજીમાં અને ગોત્રીમાં 18 ટનની આસપાસ ઓક્સિજન ડિમાન્ડ છે. શહેરના વપરાશના ત્રીજા ભાગનો ઓક્સિજન ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં જ વપરાઇ રહ્યો છે. હાલમાં જે છૂટક ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલોમાં છે તેની સંખ્યા 6000 છે. જે શહેરની વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ મૂકવામાંઆવે છે. શહેરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યાં છે. જેમાં મોટાભાગના 7 ક્યુબિક મીટરના જેની ક્ષમતા 5500 લીટરની છે, આ ઉપરાંત 1.5 ક્યુબિક મીટરના હોય છે જેમાં 1200 લીટર જેટલો ગેસ ઓક્સિજન હોય છે કોરોના અગાઉ આ બોટલની કિંમતો અનુક્રમે રૂ. 150 અને રૂ.70 હતી જેમાં હાલમાં રૂ. 350 અને રૂ.150માં વેચાય છે. જોકે સિલિન્ડરના ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ ગણતા આ ભાવ રૂ.400 અને રૂ.180ની આસપાસ થાય છે.

1 વેન્ટિલેટર પર કેટલો ઓક્સિજન વપરાય છે?

  • એક વેન્ટિલેટર પર દર્દી સરેરાશ દર બે કલાકે 5000થી 5500 લિટર ઓક્સિજન વાપરે છે.
  • હાલમાં ગોત્રી અને SSGમાં 140 જેટલા દર્દીઓ ઓક્સિજન, વેન્ટિલેટર-બાયપેપ છે, જ્યારે ખાનગી હોસ્પિટલોના જુદા.
  • જો દર્દી એક દિવસ માટે પણ વેન્ટિલેટર પર રહે તો 7 ક્યુબિક મીટરના 10 બોટલ વપરાઇ જાય છે.

એક ટન ઓક્સિજન એટલે શું ?

  • સાદી ગણતરી મુજબ એક ટનમાં એક હજાર કિલોગ્રામ હોય છે. એક કિલોમાં 1000 લિટર ઓક્સિજન હોય છે.
  • એટલે જો વપરાશ 70 ટનનો હોય તો એ ગણતરીએ 7 કરોડ લિટર થયો. પણ બોટલમાં સામાન્યત: 1 કયુબિક મીટરમાં 850 લીટર ઓક્સિજન આવતો હોય છે

સિલિન્ડરનું વેઇટિંગ શા માટે ?
ESI હોસ્પિટલ ગોત્રીને બાદ કરતા કોઇ હોસ્પિટલ પાસે પોતાના ઓક્સિજન સિલિન્ડર નથી. નવા સિલિન્ડર ખરીદવા હોય તો નાગપુરની કચેરી ખાતે બોટલો રજિસ્ટ્રેશન માટે મોકલવા પડે છે. પહેલા વેઇટિંગ 15થી 20 દિવસનું જ હતું. કોરોનામાં આ વેઇટિંગ 60 દિવસનું થયું છે.

ફલો મીટરના ભાવ પણ વધ્યા
ઓક્સિજન સિલિન્ડર સાથેનું ફ્લોમીટર અગાઉ રૂા.700માં મળતંુ હતું હવે રૂા. 2800 થઇ ગઇ છે. જ્યારે સારી કંપનીના પલ્સ ઓક્સિમીટર રૂ. 800માં મળતા હતા આજે રૂ. 1500થી રૂ. 2000 થઇ ગયા છે. કોન્સ્ન્ટ્રેટર રરૂ.40 હજારમાં મળતું હતું તેના હાલ 80 હજારથી રૂ. 1 લાખ થયા છે.

હાલમાં 2 કંપની, ત્રીજી શરૂ થશે
દેશમાં ઓક્સિજનના બોટલ બનાવતી માત્ર બે કંપનીઓ છે. જેમાંથી એક એવરેસ્ટ કોન્ટો અને રામા સિલિન્ડર છે. જ્યારે હવે હાલોલમાં મારુતિ કોટશૂ નામની કંપની દિવાળી સુધીમાં શરૂ કરવામાં આવી રહી હોવાનું ઓક્સિજન સપ્લાયર વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here