વર્ષ 2020નો અંત હવે નજીક છે. સૌકોઇ હવે નવા વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. કોરોના મહામારી માટે વર્ષ 2020 મોટાભાગના લોકો માટે સારુ નથી રહ્યુ. લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘણા મહિનાઓ સુધી પોતાના ઘરોમાં કેદ રહ્યા. આ ઉપરાંત મહામારી દરમિયાન ઘણાં લોકો પગપાળા પોતાના ઘરે જવા મજબૂર બન્યા. આ દરમિયાન અનેક લોકોના કોઇને કોઇ કારણોસર મોત થયા.
વર્ષ 2020માં કોરોનાના કારણે અત્યાર સુધી લાખો લોકોના મોત થઇ ચુક્યા છે. વર્ષનો અંત થવા જઇ રહ્યો છે પરંતુ હજુ પણ મોટાભાગના લોકોની જીંદગી પાટા પર નથી ચડી. સાથે જ દેશના મોટાભાગના હિસ્સામાં ભૂખમરો છવાયો છે.
અન્ન સુરક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો સર્વે
કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે ભૂખમરો દૂર કરવા માટે પણ અનેક પ્રભાવી પગલા લીધા છે. તાજેતરમાં જ અન્ન સુરક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવેલા ‘હંગર વૉચ સર્વે’માં જાણવા મળ્યું છે કે 20.6 ટકા ઘરોમાં અનાજ ન હોવાના કારણે ભોજન ન બની શક્યુ. સાથે જ 21.8 ટકા ઘરોમાં એક ટંકનું ભોજન ન બન્યુ. અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત નવ જિલ્લામાં આ સર્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યો હતો.

લૉકડાઉનના પાંચ મહિના બાદ પણ ભૂખમરાની ગંભીર સ્થિતિ
હંગર વૉચ સર્વેમાં જાણવા મળ્યું છે કે લૉકડાઉન પૂરૂ થયાના પાંચ મહિના બાદ પણ ભૂખની સ્થિતિ ઘણી ગંભીર છે. સાથે જ મોટી સંખ્યામાં ઘરોમાં (62 ટકા) આવક ઘટી છે. અનાજ (53 ટકા), દાળ (64 ટકા), શાકભાજી (73 ટકા) અને ઇંડા/માંસાહારી પદાર્થ (71 ટકા), પોષણ ગુણવત્તાની માત્રા (71 ટકા)માં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત 45 ટકા ઘરોમાં ભોજન ખરીદવા માટે પૈસા ઉધાર લેવાની જરૂર પડી છે.