- મલ્ટિપ્લેક્સ-સિનેમાઘર સરકારના નવા નિયમોની રાહમાં, અનલોક-5ના નવા નિયમો સાથે કાર્યરત થવા તૈયારીઓ કરી
મલ્ટિપ્લેક્સ-સિનેમાઘરો 6 મહિનાથી બંધ હોવાથી અમદાવાદમાં આશરે 250 કરોડનું નુકસાન થયું છે. ગુજરાત મલ્ટિપ્લેક્સ અને સિનેમા એસો.એ સરકાર સમક્ષ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ, લાઈટ બિલ કે અન્ય ચાર્જ ન લઇ થિયેટર ખોલવા માંગ કરી હતી. અનલોક-5માં મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખુલવાની સંભાવના છે. જો ખોલવાની મંજૂરી આપે તો જૂની સારી સિનેમેટોગ્રાફીવાળી ફિલ્મ જોવા મળશે. અનલોક-5માં થિયેટર ખુલે તો પણ દિવાળી સુધી કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની શક્યતા નથી તેથી તેમાં જૂની ફિલ્મો જ બતાવશે. જ્યારે મિનિપ્લેક્સ ન્યૂ એજ સિનેમાની રચના કરશે.
મિનિપ્લેક્સ આખું જ પરિવાર-ગ્રૂપને અપાશે
કોરોાનાને કારણે મલ્ટિપ્લેક્સ-સિનેમાઘરો 30% નુકસાનમાં છે. અમે મિનિપ્લેક્સમાં ન્યૂ એજ સિનેમા લાવીશું. જેમાં 70 લોકોને બેસવાની જગ્યા છે અને ડિસ્ટન્સ સાથે 25 લોકો બેસી શકશે. નિયમોની રાહ જોઈ રહ્યા છીએ. મિનિપ્લેક્સમાં આખો શો પરિવાર કે ગ્રૂપને આપી દઈશુ. જેની કિંમત 4000રૂ. જેટલી હશે. – અનિસ પટેલ, રાહુલ ધ્યાની, કોનપ્લેક્સ, કો- ફાઉન્ડર
ટિકીટથી લઈને ફૂડનો ઓર્ડર ઓનલાઇન થશે
કેન્દ્ર-રાજ્ય સરકાર મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘર ખોલવાની મંજૂરી આપશે તો ગાઈડલાઈન્સ મુજબ ચલાવીશું. શહેરમાં 48 જેટલા થિયેટર છે અને દરેકને મોટાપાયે નુકસાન છે. મલ્ટિપ્લેક્સ ફરી ધમધમતા કરવા દર્શકો જોવા માંગે તેવી જૂની ફિલ્મો બતાવીશું. ટિકિટ બુકિંગથી લઈને ફૂડ પણ ઓનલાઈન ઓર્ડર કરવાનું રહેશે. – રાકેશ પટેલ, વાઇડ એન્ગલ, ડિરેક્ટર
દિવાળી પછી નવી ફિલ્મો બતાવવામાં આવશે
‘સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ દિવાળીમાં રિલીઝ થશે. ડરને કારણે કદાચ લોકો ઓછા આવશે. ત્યારે શો ટાઈમિંગમાં ફેરફાર થશે. દરેક શોની વચ્ચે સેનિટાઈઝેશન થશે. આ સિવાય અમે થિયેટરમાં ફૂડ ઓર્ડર નહીં લઈએ જરૂર પડશે તો માત્ર પાણી આપવામાં આવશે. – અશ્વિન પટેલ, મેનેજર , કે સેરા સેરા
શૂન્ય આવકમાં 10 લાખ રૂપિયા મેન્ટેનેન્સ થયું
આ 6 મહિના દરમિયાન ગુજરાતના મલ્ટિપ્લેક્સને થયેલા 600 કરોડના નુકસાનમાં સૌથી વધુ અમદાવાદના મલ્ટિપ્લેક્સ-થિયેટરોને નુકસાન થયું છે. એક સમયે જ્યાં મહિને 25 લાખની આવક થતી હતી ત્યાં કોરોના કાળમાં જીરો રૂપિયાની આવક સામે તેને મેન્ટેન રાખવા માટે 6 મહિનામાં 10 લાખ રૂપિયા ખર્ચ થયા છે.
મલ્ટિપ્લેક્સમાં 40% કર્મચારીઓ જ કામ કરે છે
વાઇડ એન્ગલના માલિક તથા એસોસિએશન તરફથી મળતી માહિતી મુજબ એક થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં 30થી લઈને 120 જેટલા લોકો કામ કરે છે, 40 ટકા સ્ટાફ નોકરી છોડીને અન્ય વ્યવસાયમાં જોડાઇ ગયો છે. થિયેટર શરૂ થશે ત્યારે કર્મચારીઓને ફરી રખાશે. સમગ્ર રાજ્યમાં 15000 કર્મચારીઓ કામ કરતાં પરંતુ હાલ તેમાંથી માત્ર 40 ટકા જ કાર્યરત છે.