ફૂટબોલ જગતને તાજેતરમાં બે મોટી હાનિ પહોંચી છે. મહાન ડિયેગો મારાડોનાના નિધનને હજી એક મહિનો થયો નથી ત્યાં તો 1982ની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની ચેમ્પિયન ઇટાલીની ટીમના સદસ્ય પાઓલો રેસ્સીનું નિધન થયું છે. 1986માં મારાડોનાએ આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું તે અગાઉ 1982માં પાઓલો રેસ્સીની આગેવાની હેઠળ ઇટાલીની ટીમ ચેમ્પિયન બની હતી.

64 વર્ષના પાઓલો રેસ્સી ફૂટબોલમાંથી નિવૃત્ત થયા બાદ કોમેન્ટેટર તરીકે સક્રિય હતા. તેઓ ઇટાલીના સરકારી પ્રસારણકર્તા રેડિયો ટેલિવિઝન ઇટાલિયા (આરએઆઈ)સાથે સંકળાયેલા હતા. આરએઆઈએ ગુરુવારે જાહેર કર્યું હતું કે રેસ્સીનું નિધન એક એવી બીમારીને કારણે થયું હતું જેનો કોઈ ઇલાજ ન હતો. પાઓલો રેસ્સીની પત્ની ફેડરિકા કેપેલ્લેટીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શનમાં લખ્યું હતું હંમેશાં ઇટાલી માટે.
સટ્ટાબાજીમાંથી નિર્દોષ જાહેર થયા બાદ 1980માં પાઓલો રેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 1982ના ફિફા વર્લ્ડ કપમાં તેણે પોતાની ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. એ વખતે તેણે કપ્તાની કરી હતી અને એક ખેલાડી તરીકે તો જોરદાર દેખાવ કર્યો હતો. સ્પેન સામેની મેચમાં તેણે છ ગોલ નોંધાવ્યા હતા. બ્રાઝિલ સામે 3-2ના વિજયમાં રેસ્સીએ હેટ્રિક નોધાવી હતી. વેસ્ટ જર્મની સામેની ફાઇનલમાં રેસ્સીએ જ પહેલો ગોલ કર્યો હતો. એ મેચમાં ઇટાલીનો 3-1થી વિજય થયો હતો.