ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ 17મી ડિસેમ્બરથી એડિલેડ ખાતે રમાનારી છે. આ મેચ ડે-નાઇટ રહેશે અને ત્યાર બાદ 26મી ડિસેમ્બરથી એટલે કે પરંપરાગત બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં રમાશે. આ મેચમાં 30000 પ્રેક્ષકોને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશે. વિક્ટોરીયા સ્ટેટની સરકારે પ્રેક્ષકોની સંખ્યા અંગે કેટલીક રાહત આપી છે અને એ મુજબ આ વખતે મેલબોર્નના ઐતિહાસિક સ્ટેડિયમ ખાતે 30000 પ્રેક્ષકો મેચ નિહાળી શકશે.

કોરોના વાયરસની મહામારીને કારણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે રમાયેલી વન-ડે અને ટી20 દરમિયાન કુલ બેઠકની ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમાં ય ત્રીજી અને અંતિમ ટી20 વખતે તો આખા સ્ટેડિયમને ભરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ખાતે 26મી ડિસેમ્બરથી ટેસ્ટ મેચ રમાશે. મેલબોર્નની ક્ષમતા લગભગ એક લાખની છે. અગાઉ તેમાં 25 હજાર પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમાં હવે વધારો કરાઈને 30 હજાર કરવામાં આવી છે. વિક્ટોરીયા સ્ટેટમાં છેલ્લા 40 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.