ભારતીય ટીમે આજથી ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ત્રણ દિવસની વોર્મ અપ મેચનો પ્રારંભ કર્યો અને પહેલા દિવસે જ ટીમનો ધબડકો થયો હતો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સસ્તામાં જ નવ વિકેટ ગુમાવી દીધી ત્યારે જસપ્રિત બુમરાહ બેટિંગમાં આવ્યો હતો. બુમરાહ તેની બોલિંગ માટે જાણીતો છે પરંતુ શુક્રવારની મેચમાં બુમરાહે બેટિંગમાં કમાલ કરી હતી.

તેણે આ મેચમાં અણનમ 55 રન ફટકારવાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. બુમરાહે આ અગાઉ 2014ના જુલાઈ મહિનામાં ભારત-એ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો. એ વખતે તેણે બ્રિસબેન ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા-એ સામે અણનમ 16 રન ફટકાર્યા હતા. આમ શુક્રવારે તેણે આ આંકને વટાવી દીધો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની પહેલી અડધી સદી હતી.

આટલું જ નહીં પરંતુ કોઈ પણ લેવલના ક્રિકેટમાં બુમરાહનો આ સર્વોચ્ચ સ્કોર હતો. તેણે કરિયરમાં ટેસ્ટ, વન-ડે, ટી20 ઉપરાંત રણજી ટ્રોફી કે કોઈ પણ ફર્સ્ટ ક્લાસ મેચ, લિસ્ટ-એ મેચ કે ટી20 મેચમાં ક્યારેય આટલા રન નોંધાવ્યા ન હતા. ટેસ્ટ અને વન-ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર દસ રન હતો તો ટી20 ઇન્ટરનેશનલમાં તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર સાત રન હતો. લિસ્ટ-એમા તેણે એક વાર 42 રન ફટકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here