દિકરીનાં ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana- SSY) ઘણી લોકપ્રિય છે. તમે દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું (Sukanya Samriddhi Account)પોસ્ટ ઓફિસ (Post Office)અથવા બેંકોમાં પણ ખોલી શકો છો. આ ખાતાની વિશેષતા એ છે કે, તમે તેને ફક્ત 250 રૂપિયાથી ખોલી શકો છો. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) લોકોને સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. પીએનબી (PNB)એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ચાલો જાણીએ સુકન્યા સમૃદ્ધિ ખાતું કેટલું ફાયદાકારક છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરેલા નાણાંનો ઉપયોગ પરિપક્વતા પછી પુત્રીના લગ્ન અથવા શિક્ષણ માટે કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષમાં પરિપક્વ થશે. પરંતુ આ યોજનામાં રોકાણ ખાતું ખોલ્યાના 15 વર્ષમાં સમાપ્ત થઈ જશે.

મહત્તમ કેટલાં કરી શકો છો જમા
તમે તમારી બે પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલી શકો છો. પુત્રીના 10 વર્ષ પૂરા થાય તે પહેલાં આ ખાતું ખોલી શકાય છે. આ એકાઉન્ટ 250 રૂપિયા સાથે ખુલે છે અને તમે વાર્ષિક વધુમાં વધુ 1.50 લાખ જમા કરી શકો છો. આ ખાતામાં 15 વર્ષ સુધી પૈસા જમા કરી શકાય છે.