ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસતા વિચિત્ર પરિસ્થિતિ સર્જાઇ છે. આજે માવઠાએ સમગ્ર રાજ્યને ધમરોળ્યું હતું અને વિવિધ સ્થળોએ ઝરમરથી લઇ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયકલોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાએ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુમાં ભંગ પડયો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. હજુ પણ શનિવારે અને રવિવારે છૂટાંછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ માવઠાંનો સૌથી વધુ માર ખેડૂતોને લાગ્યો છે. ખેતરોમાં ઉભા પાક તેમજ માર્કેટિંગ યાર્ડમાં ખૂલ્લામાં રહેલા કપાસ અને મગફળી પલળી જતાં જંગી નુકસાન સર્જાયું છે.

વરસાદ

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આજે વધતા ઓછા અંશે કમોસમી વરસાદ વરસતા લોકોએ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રિવિધ ઋતુનો એક સાથે અનુભવ કર્યો હતો અને સૂર્યના દર્શન દુર્લભ થાય તે રીતે સમગ્ર પ્રદેશ ઉપર વાદળો છવાયા હતા. વરસાદથી સૌરાષ્ટ્રભરમાં ટાઢુડુ છવાઈ ગયું હતું અને ધ્રાબડિયા હવામાનથી એક તરફ રોગચાળો વધવા ભીતિ સર્જાઈ છે . સોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા વિસ્તારમાં તો વહેલી સવારે પાંચથી દસ વાગ્યા સુધીમાં ૨૦ મિ.મિ. (આશરે એક ઈંચ) વરસાદ વરસી જતા માર્ગો પર અને ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજકોટમાં મધ્યરાત્રિ સુધી ધીમો વરસાદ વરસતો રહ્યો હતો અને યાર્ડમાં મગફળીનો પાક પલળી ગયો ગયો તો ત્રંબા પાસે વધુ ભારે ઝાપટાં વરસ્યાના અહેવાલ છે. અમરેલીના મોટા લીલીયા પંથકમાં અર્ધો ઈંચ જેટલો વરસાદ પડયાના અહેવાલો છે. આ ઉપરાંત, પોરબંદર શહેર જિલ્લો અને બરડા ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગર શહેર જિલ્લામાં આજે સાંજે ફરી કમોસમી વરસાદ તો જામજોધપુરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેર, માણાવદર, વંથલી, વિસાવદર આંકોલા ગીર, ગડુ શેરબાગ સહિત સોરઠ પંથકમાં તથા લોઢવા વિસ્તારમાં છાંટાથી માંડીને હળવા ભારે ઝાપટાં સ્વરૃપે પાણી વરસ્યું હતું . રાજકોટ જિલ્લાના જેતપુરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી જતા ખેડૂતોને ભારે ઉપાધિ સર્જાઈ છે, ધોરાજીમાં બીજા દિવસે વરસાદી માહૌલ સર્જાયો હતો.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગુરૃવારે રાત્રે શિયાળની મોસમ છતાં ગરમીનો માહોલ હતો અને વહેલી સવારે ઝરમર વરસાદ વરતા શ્રાવણ મહિના જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વરસાદ વરસ્યા બાદ એકાએક ઠંડક વ્યાપી ગઇ હતી અને વાદળછાયું વાતાવરણ યથાવત્ રહ્યું હતું. વડોદરામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ હતું અ ને એક ઇંચ સુધી વરસાદ વરસતા હિલ સ્ટેશન જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. આ ઉપરાંત આણંદમાં એક ઇંચ, કઠલાલમાં એક, મહેમદાવાદ અને મહુધામાં પોણો ઇંચ અને નડિયાદમાં હળવો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી સાચી પડતા ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ગુરૃવારની મોડી રાત્રે તેમજ શુક્રવાર સવારે કમોસમી વરસાદ વરસતા ખેતીના ભાગમાં નુકસાનને લઇ ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. અચાનક વર્ષેલ કમોસમી વરસાદને લઇ માર્ગો ભીના થયા હતા. તો કમોસમી વરસાદે જગતના તાતનું નવું વર્ષ બગાડયું છે. જેમાં કોરોના મહામારીમાં શાકભાજીના ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે.

વરસાદ

શુક્રવારે વહેલી સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમીગતિએ વરસાદ શરૃ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાહન ચાલકોએ ગાડીની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી આ સાથે વાતાવરણમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતુ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૧.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ પડતા લોકોએ છત્રી અને રેઈનકોટનો ઉપયોગ કરવો પડયો હતો. સુરત શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. જેમાં સિટીમાં ૦.૮ ઇંચ અને ઉમરપાડામાં ૦.૭ ઇંચ વરસાદી પાણી પડયું હતુ.

બપોર સુધી રેઈનકોટ, બપોર બાદ ગરમ વસ્ત્રો પહેરવા પડયાં

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ઋતુ ચક્રમાં ચિંતાજનક રીતે બદલાવ આવ્યો છે. ભરશિયાળે અષાઢી માહોલ સર્જાતા વરસાદના ઠંડા પાણીમાં ભીંજાતા બચવા માટે શહેરીજનોએ કબાટમાં મુકી દીધેલા રેઈનકોટ કાઢી પહેરવા પડયાં હતા. બપોરે મેઘરાજાએ ખમૈયા કરતા વાતાવરણ ટાઢુબોળ હોય, ઠંડીથી બચવા માટે સ્વેટર, જર્સી વગેરે ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી.

તાપમાનમાં સીધું સાતેક ડિગ્રીનું ગાબડું, હિલ સ્ટેશન જેવો માહોલ

સાયકલોનિક સર્ક્યુલેશને શિયાળીની ઋતુમાં ભંગ પાડતા દિવસ દરમિયાન તાપમાનમાં સીધું સાતેક ડિગ્રીનું ગાબડું નોંધાયું હતું. જેના કારણે તમામ વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત રાત્રિ અને દિવસ વચ્ચેના તાપમાનમાં પણ ત્રણ ડિગ્રીનો જ તફાવત રહેતાં લોકોને અલગ જ હવામાનનો અનુભવ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here