રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં માત્ર 24 કલાકમાં જ નવ નવજાત બાળકોના મોત નિપજ્યા છે. જેને પગલે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેને હોસ્પિટલે નકાર્યો હતો.જે બાળકોના મોત નિપજ્યા છે તેઓનું આયુષ્ય એકથી ચાર દિવસનું હતું. માત્ર 24 કલાકમાં જ નવ બાળકોના મોતને પગલે હવે હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સુરેશ દુલાહારે દાવો કર્યો છે કે મૃત્યુ પામેલા એક પણ બાળકમાં ઇન્ફેક્શન નહોતું અને કુદરતી રીતે મોતને ભેટયા છે.

હોસ્પિટલ સ્ટાફ વિરૂદ્ધ આકરા પગલા લેવાની પરિવારજનોની માગ
પરિવારજનોએ હોસ્પિટલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા અને સમગ્ર મામલે હોસ્પિટલ સ્ટાફ વિરૂદ્ધ આકરા પગલા લેવાની માગણી કરી છે. સાથે આરોપ લગાવ્યો છે કે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા તે બાદ એક પણ ડોક્ટરે મુલાકાત નહોતી લીધી. વિવાદ વધતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ હોસ્પિટલ અિધકારીઓ પાસેથી રિપોર્ટ માગ્યો હતો.

બીજી તરફ હોસ્પિટલનો સ્ટાફ વધારવા અને સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 103 બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે હવે ફરી આ જ હોસ્પિટલ ચર્ચામાં આવી છે.