અમદાવાદમાં કોરોનાના કેસોમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડમાં અડધાથી પણ વધુ 50.88 ટકા બેડ ખાલી પડયા છે. જોકે કેસો ઘટી રહ્યાં છે તેવા સમયે પ્રાઈવેટ બેડમાં વધારો સતત કેમ કરવામાં આવી રહ્યો છે, તે સમજાતું નથી.ગઈકાલે 3439 પ્રાઈવેટ બેડ હતા તે આજે 289ના વધારા સાથે 3728 થયા છે. દિવાળી પહેલાં તો બેડની સંખ્યા 2240ની જ હતી, દરમ્યાનમાં આજે એક જ દિવસમાં નવા 258 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

જ્યારે સારવાર દરમ્યાન 8 દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે. તેમજ સાજા થઈ ગયેલાં 259 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી કોરોનાના નોંધાયેલા કેસોનો આંકડો 54796ને આંબી ગયો છે. તેમાંથી સારવાર દરમ્યાન 2107 દર્દીઓ તેમની મહામૂલી જિંદગી ગુમાવી દીધી છે.
જ્યારે કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલાં લોકોની સંખ્યા 45056ની થઈ ગઈ છે. દરમ્યાનમાં આજે ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ બેડમાં દર્દીઓનો મોટો ઘટાડો નોંધાયો છે. 3728 બેડમાંથી 1831માં દર્દીઓ છે, તેમજ 1897 બેડ ખાલી છે. કોવિડ કેર સેન્ટરોમાં તો માત્ર 8 જ દર્દીઓ છે. જોકે 295 દર્દીઓ હજુ પણ આઈસીયુમાં છે અને 259 બેડ ખાલી છે.
એક્ટિવ કેસોની સંખ્યા ઘટી

એવી જ રીતે 154 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, જ્યારે 105 વેન્ટીલેટર ખાલી છે. દિવાળી પર ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનું પણ અઘરૂં બની ગયું હતું, કેટલીક હોસ્પિટલોમાં વેઈટીંગ ચાલતું હતું, તે સ્થિતિનો હવે અંત આવ્યો છે. જોકે સરકારી યાદીમાં તો માત્ર 71 દર્દીઓ જ વેન્ટીલેટર ઉપર હોવાનું દર્શાવાયું છે. તેમજ જનરલ બેડ 635 ભરાયેલા છે, તેની સામે 805 ખાલી છે. બીજી તરફ એકટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થયો છે.
પશ્ચિમઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણપશ્ચિમ ઝોનના 1303 અને પૂર્વપટ્ટાના મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોન, દક્ષિણઝોનના 1247 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આમ પણ મ્યુનિ. ચૂંટણી નજીકમાં હોવાથી કેસો ઘટે તે બાબત પણ જરૂરી છે, આ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ કાયદાઓનું ચુસ્ત પાલન કરી રહ્યાં છે, વધુ જહેમત ઉઠાવી રહ્યાં છે. જોકે બેવડી ઋતુ અને ઠંડી વધતાં કોરોનાના કેસો ફરી વધશે તેમ પણ કેટલાંક ડૉક્ટરોનું અનુમાન છે.