રાષ્ટ્રીય સ્તરે એકબીજા સાથે ઝઘડતા ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનની પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખોને પસંદ કરવા માટે ગઠબંધન કરી લીધું છે. અન્ય કોઇ ત્રીજા પક્ષના નેતા પ્રમુખ ન બની જાય તેથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ હાથ મીલાવી લેતા તેની ભારે ચર્ચા છે.
એક જિલ્લામાં કોંગ્રેસે ભાજપના નેતાઓને ટેકો આપ્યો તો બીજા જિલ્લામાં ભાજપે કોંગ્રેસના નેતાઓને. આમ કરીને અન્ય સ્થાનિક પક્ષોના હાથમાં જિલ્લાની કમાન જતી અટકાવી અને પોતાના માનિતાને પ્રમુખ બનાવી લીધા હતા.
આ કારણે કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓને ટેકો આપ્યો

જે ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ રાજસ્થાનમાં સરકાર બચાવવા માટે અશોક ગેહલોતને ટેકો આપ્યો હતો તેના જ નેતાને ડુંગરપુરમાં પ્રમુખ બનતા અટકાવવા માટે કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓને ટેકો આપ્યો અને અહીં ભાજપના નેતાને પ્રમુખ બનાવી દીધા.
ડૂંગરપુર જિલ્લા પરિષદની કુલ 27 બેઠકોમાંથી 13 પર ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના સમર્થન વાળા ઉમેદવારોની જીત થઇ હતી. જ્યારે ભાજપને આઠ અને કોંગ્રેસને છ બેઠકો મળી હતી. કોંગ્રેસ અને ભાજપે સૂર્ય અહારીને સમર્થન કર્યું અને જિલ્લા પ્રમુખ બનાવી દીધા.
કોંગ્રેસ અને ભાજપે અહીં હાથ મેળવીને અપક્ષ ઉમેદવારને જિલ્લા પ્રમુખ બનાવી દીધા

તેવી જ રીતે નાગોર જિલ્લામાં ખિનવસર પંચાયત સમિતીની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે એક થઇને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના ઉમેદવારને હરાવી દીધા. આરએલપી ભાજપનો સમર્થક પક્ષ રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપે અહીં હાથ મેળવીને અપક્ષ ઉમેદવારને જિલ્લા પ્રમુખ બનાવી દીધા હતા.
આરએલપીને અહીં 31માંથી 15 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને આઠ અને ભાજપને પાંચ જ્યારે ત્રણ અપક્ષ જિત્યા હતા. 16 મતો સાથે સીમા ચૌધરીએ અહીં જીત પ્રાપ્ત કરી હતી. ભાજપ અને કોંગ્રેસના આ પ્રકારના વલણને પગલે હવે સ્થાનિક પક્ષો આ બન્ને રાષ્ટ્રીય પક્ષોથી નારાજ છે અને છેડો ફાડી રહ્યા છે.