વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસની જાણકારી આપવાનો કેન્દ્રિય માહિતી આયોગે આદેશ આપ્યો હતો, જેના પર દિલ્હી હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. જે માહિતી માગવામાં આવી હતી તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચ, વિશેષ ઉડાનો વગેરેનો સમાવેશ થાય છે.
દિલ્હી હાઇકોર્ટે હાલ માહિતી આપવા પર રોક લગાવી

આ માહિતી આપવા સીઆઇસીએ આદેશ આપ્યો હતો પણ દિલ્હી હાઇકોર્ટે હાલ તેના પર રોક લગાવી દીધી છે. ન્યાયાધીશ નવીન ચાવલાએ જણાવ્યું હતું કે આરટીઆઇ અરજદાર દ્વારા જે માહિતી પીએમઓ પાસેથી માગવામાં આવી છે તેની જાણકારી આપી શકાય તેમ નથી, કેમ કે તેમાં વડા પ્રધાનની સાથે સાથે મંત્રાલયો અને વિભાગોના અધિકારીઓની પણ વિસ્તૃત જાણકારી માગવામાં આવી હતી જેને જાહેર ન કરી શકાય.
પણ જો વિવિધ ઉડાનોની જાણકારી આપવામાં આવે તો તેમાં કોઇ નુકસાન નથી. હાઇકોર્ટે સાથે નિવૃત કોમોડોર અને અરજદાર લોકેશ કે બત્રાને પણ નોટિસ પાઠવી છે સીઆઇસીના આઠમી જુલાઇના આદેશ વિરૂદ્ધ ઇન્ડિયન એરફોર્સે જે અરજી કરી હતી તે મામલે જવાબ માગ્યો છે.
આ મામલાની વધુ સુનાવણી આગામી વર્ષે હાથ ધરવામાં આવશે

હવે આ મામલાની વધુ સુનાવણી આગામી વર્ષે 12મી એપ્રીલે હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી કોર્ટે જે સ્ટે આપ્યો છે તે બરકરાર રહેશે. ઇન્ડિયન એરફોર્સ વતી કેન્દ્ર સરકારના સીનિયર પેનલ કાઉન્સિલ રાહુલ શર્મા અને વકીલ સી કે ભટ્ટ દ્વારા દલીલો કરવામાં આવી હતી.
જેમાં એવો દાવો કરાયો હતો કે જે માહિતી આપવાનો સીઆઇએએ આદેશ આપ્યો છે તેને આરટીઆઇ કાયદામાં છૂટ આપવામાં આવી છે તેથી તે માહિતી જાહેર ન કરી શકાય. અરજદાર બત્રાએ આરટીઆઇ હેઠળ માહિતી માગી હતી જેમાં 2013 બાદ મનમોહનસિંહ તેમજ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ માટે ઉપયોગમાં લેવાયેલા વિમાનની માહિતી માગવામાં આવી હતી.