અમદાવાદ મ્યુનિ.ની વર્તમાન સત્તાવાળાઓની ટર્મ 13મીથી પુરી થઇ રહી છે, ત્યારે આજે મળેલી છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ પર ચડી ગયેલાં વ્યાજમાં માફી આપવાની રિબેટ સ્કીમની જાહેરાત કરી હતી. પહેલે તબક્કે આ યોજના 14મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી 2021 સુધી ચાલુ રહેશે. જોકે ત્યારબાદ લંબાવવાની પુરેપુરી સંભાવના છે.
દર વર્ષે ડિસેમ્બરમાં આવે છે રિબેટ પ્રથા
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ડિસેમ્બરમાં રિબેટ પ્રથા આવે જ છે. અગાઉના વર્ષે તે સમયના કમિશનર એ બાબતના વિરોધી હોવાથી આવી ના હતી. ઉપરાંત જુનામાં ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ આગોતરો ટેક્સ ભરી દેનાર રહેણાંકની મિલકતને 10 ટકા અને કોમર્શીયલ મિલકતને પ્રારંભમાં 30 અને બાદમાં 20 ટકા રિબેટની જાહેરાત થઇ હતી.
આજે જાહેર કરેલી રિબેટની સ્કીમમાં અગાઉની જેમ જ ચાલી-ઝુંપડાના રહેઠાણના બાકી ટેક્સ પરના વ્યાજમાં 100 ટકા, અન્ય રહેણાંકના મકાનોમાં 70 ટકા અને કોમર્શીયલ મિલકતોમાં 50 ટકા રાહતની જાહેરાત કરવામાં આવી છે. જો કે બાકી ટેક્સ પુરેપુરો ભરી દેવાનો રહેશે તેવી શરત કરાઇ છે.

ઉપરાંત સંસ્કાર કેન્દ્રમાં આવેલાં સિટી મ્યુઝીયમ – અતિતની ઝાંખી અને પતંગ મ્યુઝીયમની મુલાકાત લેવા માગનારાઓ માટે પ્રવેશ ફી દાખલ કરવાની અને આર્ટ ગેલેરીના વર્તમાન ચાર્જીસમાં વધારો કરવાની દરખાસ્તને અનિર્ણીત રાખવામાં આવી છે.
ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, હાલ મ્યુઝીયનું નવિનીકરણ ચાલી રહ્યું છે, તે પૂર્ણ થયા બાદ આ વિષય પર વિચારવામાં આવશે. તેમજ મા.જે. પુસ્તકાલયના ચાર મોબાઇલ વાહનોમાં હરતીફરતી લાયબ્રેરી શરૂ કરાઇ હતી, તેના વાહનો હાલ જુના થયા હોવાથી બંધ કરવામાં આવી છે.