એક સમયે રાજસ્થાનમાં ભાજપના કદ્દાવર નેતા તરીકે ઓળખાતા ધનશ્યામ તિવાડી લગભગ અઢી વર્ષ બાદ ફરી એક વાર પોતાના ઘર ભારતીય જનતા પાર્ટીમાં પાછા ફર્યા છે. વસુંધરા રાજે સાથે થયેલા અણબનાવ બાદ 2018માં ભાજપથી છેડો ફાડી અલગ થઈ ગયા હતા. ધનશ્યામ તિવાડીએ આ અઢી વર્ષમાં પોતાની અલગ પાર્ટી પણ બનાવી, બાદમાં કોંગ્રેસનો હાથ પણ ઝાલી લીધો. પણ સંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા આ નેતાનું બીજે ક્યાંય મન ન લાગ્યૂ અને ફરી એક વાર ભાજપમાં આવી ગયા.
કોંગ્રેસની વિચારધારા સાથે ક્યારેય મેળ ન આવ્યો
વર્ષ 2018ના અંતમાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં થઈ અને તિવાડીએ જયપુરની સાંગાનેર સીટથી પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડી, જો કે, આ ચૂંટણીમાં તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ માર્ચમાં 2019 લોકસભા ચૂંટણી થઈ, જ્યાં જયપુરની એક જાહેર સભામાં રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસનો હાથ પકડી લીધો. જો કે, કોંગ્રેસમાં પણ તિવાડીને દમ ઘૂંટાવા લાગ્યો હતો. કોંગ્રેસે તિવાડીને ભલે પોતાની પાર્ટીમાં લઈ લીધા, પણ તિવાડી ક્યારેય દિલથી કોંગ્રેસી નેતા ન બની શક્યા. ઈમરજન્સીના સમયે જેલમાં જઈ આવેલા તિવાડી હંમેશા સંઘની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા. તેથી કોંગ્રેસ સાથે તેમને જામતુ નહોતું. જેમ તેમ કરીને તિવાડીએ કોંગ્રેસમાં અઢી વર્ષ તો કાઢી નાખ્યા, આખરે પોતાનો રસ્તો અલગ કરીને ફરી એક વાર ભાજપમાં આવી કેસરીયો ધારણ કર્યો છે.