ઈપીએફઓ (EPFO)તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં મોટી ભેટ આપે તેવી સંભાવના છે. એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન ડિસેમ્બરના અંત સુધીમાં વર્ષ 2019-20 માટે ઈપીએફ (EPF)પર 8.50 ટકા વ્યાજ આપે તેવી શક્યતા છે.અગાઉ ઈપીએફઓએ (EPFO) સપ્ટેમ્બરમાં શ્રમમંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેના સભ્યોને 8.50 ટકા વ્યાજ 8.15 ટકા અને 0.35 ટકા એમ બે ભાગમાં આપવાનો નિર્ણય લીધો હતો. જોકે, હવે સભ્યોને 8.50 ટકા વ્યાજ એક જ સમયમાં મળી શકે છે.
EPFO સભ્યોના ખાતામાં એક જ હપ્તામાં વ્યાજ જમા કરાવવા દરખાસ્ત
સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રમ મંત્રાલયે નાણાંમંત્રાલયને આ મહિનાની શરૂઆતમાં 2019-20 માટે ઈપીએફ (EPF)પર વ્યાજ દર 8.50 ટકા કરવા સંમતિ આપવાની દરખાસ્ત મોકલી છે. શ્રમ મંત્રાલયે આ મહિનાના અંત સુધીમાં ઈપીએફઓના સભ્યોના ખાતામાં એક જ હપ્તામાં વ્યાજ જમા કરાવવા પણ દરખાસ્ત મોકલી હ તી. નાણામંત્રાલય કેટલાક દિવસમાં આ દરખાસ્ત મંજૂર કરે તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈપીએફનું 8.50 ટકાનું વ્યાજ લોનની આવકમાંથી 8.15 ટકા અને ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)ના વેચાણથી બાકીના 0.35 ટકા વ્યાજથી ડિસેમ્બર 2020 સુધીમાં એક સાથે રિડપ્શનને આધિન હશે. હાલ બજારની સ્થિતિ આશા કરતાં ઘણી સારી છે. હાલ બેન્ચમાર્ક ઈન્ડેક્સ વિક્રમી ટોચે છે. આથી 8.50 ટકાનું વ્યાજ એક જ હપ્તામાં ચૂકવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
2019-20 માટે EPFપર 8.50 ટકા વ્યાજ દરને મંજૂરી
સૂત્રોનું કહેવું છે કે પહેલા નાણામંત્રાલયે છેલ્લા નાણાં વર્ષ માટે વ્યાજ દર પર કેટલાક ખુલાસા માગ્યા હતા. આ વર્ષે માર્ચમાં ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેનારા એકમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસની બેઠકમાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારે 2019-20 માટે ઈપીએફ પર 8.50 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી.
જોકે, સીબીટીની સપ્ટેમ્બરમાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં 2019-20ના નાણાકીય વર્ષ માટે વ્યાજ દર 8.50 ટકા કરવાના નિર્ણયને જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ સીબીટીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા 8.50 ટકાના વ્યાજદરને 8.15 ટકા અને 0.35 ટકા એમ બે હપ્તામાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો હતો.