અમદાવાદ સહિત પાંચ મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની રવિવારે મુદત પૂર્ણ થઇ છે જેના કારણે આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરના હાથમાં સત્તા સોંપવામાં આવી છે. જોકે, મ્યુનિ.કમિશનર રૂટિન કામગીરી જ કરી શકશે. નીતિ વિષયક કોઇ નિર્ણય લઇ શકશે નહીં.

જાન્યુઆરીમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા, ટિકીટ મેળવવા અત્યારથી લોબિંગ શરૂ

કોરોનાની મહામારીને કારણે મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ ત્રણ માસ પાછળ ધકેલવી પડી હતી. રાજ્ય ચૂંટણી પંચે નવેમ્બર માસમાં ચૂંટણીઓ યોજવા આયોજન કર્યુ હતું. 13મી ડિસેમ્બરે અમદાવાદ, રાજકોટ , સુરત, વડોદરા , ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થઇ છે. મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકારે આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને સત્તા સોંપી છે.

રાજ્ય સરકારે આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરને સત્તા સોંપી

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે એવો આદેશ કર્યો છેકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી યોજાયા પછી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી કમિશનરોએ વહીવટી વડા તરીકે કામગીરી સંભાળવાની રહેશે. મ્યુનિ.કમિશનરો રૂટિન કામગીરી સંભાળશે પણ ટેન્ડરો બહાર પાડવા,વર્ક ઓર્ડર આપવા , નિમણૂંકો કરવી ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાય તેવા કામો કરી શકશે નહીં. આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણય પણ લઇ શકશે નહીં. નોંધનીય છેકે, વર્ષ 2015માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 14મી ડિસેમ્બરે બોર્ડ અસ્તિત્વમાં આવ્યુ હતું.

આવતીકાલે મેયર. ડેપ્યુટી મેયર ઉપરાંત વિવિધ કમિટીઓના ચેરમેન, વિપક્ષના નેતા સહિતના હોદ્દેદારોએ કાર જમા કરાવવી પડશે. મ્યુનિ.કોર્પોરેશનની મુદત પૂર્ણ થતાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો ફરી ટિકીટ મેળવવા લોબિંગ શરૂ કર્યુ છે અને પક્ષના કાર્યાલય પર આંટાફેરા શરૂ કર્યાં છે. રાજય ચૂંટણીપંચની તૈયારીઓને જોતાં જાન્યુઆરીમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. ફેબુ્રઆરીની બીજા સપ્તાહમાં ચૂંટણીઓ યોજાય તેવી પુરેપુરી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here