પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં આ વખતે સાવ કંગાળ પ્રદર્શન કરી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં તેનો 2-0થી પરાજય થયો હતો જેમાં એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે ટેસ્ટ સિરીઝમાં સોમવારે તેનો 2-0થી પરાજય થયો હતો. વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં સોમવારે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડનો એક ઇનિંગ્સ અને 12 રનથી વિજય થયો હતો. આમ સિરીઝની બંને ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝનો એક ઇનિંગ્સના કારમા અંતરથી પરાજય થયો હતો.
ડી સિલ્વાએ 57 રન ફટકાર્યા
ઇનિંગ્સના પરાજયથી બચવા માટે રમી રહેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે સોમવારે સવારે છ વિકેટે 244 રનના સ્કોરથી તેનો બીજો દાવ આગળ ધપાવ્યો હતો પરંતુ 317 રનના સ્કોર સુધીમાં તેના બાકીના તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. કેરેબિયન ટીમના બીજા દાવમાં જેસન હોલ્ડરે 61 તથા જોશુઆ ડી સિલ્વાએ 57 રન ફટકાર્યા હતા. નીલ વેગનર અને નીલ વેગનરે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી તો કાયલ જેમિસન અને ટિમ સાઉથીએ બે બે વિકેટ લીધી હતી.
મેન ઓફ ધ મેચ જાહેર કરાયો
કાયલ જેમિસને પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી. આ સિરીઝમાં તેણે અગાઉની મેચમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. જેમિસનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો તો ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 174 રન ફટકારીને ટીમના વિજયનો પાયો નાખનારા હેનરી નિકોલસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 460 રન નોંધાવ્યા હતા તો વેસ્ટ ઇન્ડિઝે તેના પહેલા દાવમાં માત્ર 131 રન નોંધાવ્યા હતા જેને કારણે તેને ફોલોઓન થવું પડ્યું હતું. બીજા દાવમાં તેણે 317 રન નોંધાવીને લડત આપી હતી પરંતુ તે ઇનિંગ્સનો પરાજય ખાળી શક્યું ન હતું.