• રૂપાણી સરકાર આ મુદ્દે પણ ધૃતરાષ્ટ્રની જેમ ખાનગી સ્કૂલ-સંચાલકોની દાદાગીરી સામે વિવશ
  • છેલ્લા 5 મહિનામાં સરકાર દ્વારા ખાનગી સ્કૂલ ફી મુદ્દે કોઈપણ બેઠક યોજવામાં આવી નથી
  • સરકારે સ્કૂલ ફી ઘટાડવા માટે સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમણે અસ્વીકાર કર્યો

રાજ્યમાં હાલ સ્કૂલ ફી બાબતનો મુદ્દો દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ખાનગી સ્કૂલોના સંચાલકો દ્વારા શિક્ષકોના પગાર કાપ તેમજ તેમને કાઢી મૂકવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પાસેથી સંચાલકોની ફી ઉઘરાણીની ફરિયાદો પણ સામે આવી છે. જોકે નવાઈની વાત એ છે કે શિક્ષકો તેમજ વાલીઓ દ્વારા અવારનવાર ફરિયાદો થતી હોવા છતાં સરકાર દ્વારા ખાનગી સ્કૂલોના સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, સાથે જ છેલ્લા 5 મહિનામાં સરકાર દ્વારા સ્કૂલ ફી મુદ્દે કોઈપણ બેઠક યોજવામાં આવી નથી.

સરકાર પાસે એફઆરસી સહિતનો પાવર છતાં કોઈ એક્શન નહીં
બીજી તરફ, કેટલાક ખાનગી સ્કૂલ-સંચાલકો દ્વારા ખાનગી સ્કૂલોમાં શિક્ષકોના પગાર કાપ તેમજ તેમને કાઢી મૂકવા પર સરકાર એને રોકી શકી નહીં. શિક્ષકોનો પગાર કાપવો તેમજ શિક્ષકોની સંખ્યા ઓછી કરવી કે નહીં એનો નિર્ણય સંપૂર્ણપણે સ્કૂલો પાસે જ હોય છે. આ પ્રકારના સંચાલકોને સીધા રસ્તે લાવવા માટે એફઆરસી સહિતના અનેક પાવર સરકાર પાસે હોવા છતાં અત્યારસુધીમાં કોઈપણ કાર્યવાહી ન કરતાં શિક્ષકો-વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. બીજી તરફ, સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા-સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યુલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. FRCની મંજૂર ફીનો વધારો જતો કરવા સંચાલકો તૈયાર થયા છે. આ સિવાય ગત વર્ષની ફી યથાવત્ રાખી 5થી12% રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે.

સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 70 ટકાથી વધુ ફી ઊઘરાવી લીધી
કેટલાક શિક્ષકોએ સંચાલકો દ્વારા થતું શોષણને અટકાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત પણ કરી છે છતાં હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જ્યારે જ્યારે સરકારે સ્કૂલ ફી ઘટાડવા માટે સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે સંચાલકોએ અસ્વીકાર કર્યો છે. ત્યારે કેટલાક સંચાલકોએ તો વિદ્યાર્થીઓ પાસેથી 70 ટકાથી વધુ ફી ઊઘરાવી લીધી છે.

સંચાલકોએ કેસ ટુ કેસ બેસિક પર ફી માફ કરવા તૈયારી દર્શાવી હતી
શાળા-સંચાલકોએ એવી તૈયારી દર્શાવી છે કે જે વિદ્યાર્થી ફી ભરી શકે તેમ નહીં હોય તો કેસ ટુ કેસ બેસિક પર 10 ટકાથી 100 ટકા સુધીની ફી માફ કરવા તૈયારી દર્શાવી છે. ફિક્સ ટકાવારી પર ફી ઘટાડવાની સરકારની સમાધાનની વાત શાળા-સંચાલકોને સ્વીકાર્ય નથી, સંચાલકોએ આપેલી ફોર્મ્યુલા સરકારને સ્વીકાર્ય નહીં હોવાનો સોગંદનામામાં દાવો કરાયો છે. શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી થશે.

સ્કૂલો બાદ હવે કોલેજોમાં પણ ફી ઘટાડવા અંગે હાઇકોર્ટમાં અરજી
કોરોનાના કહેરને કારણે સ્કૂલો બાદ હવે કોલેજોમાં પણ ફી ઘટાડવા અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે ટેક્નિકલ કોલેજોની ફી રેગ્યુલેટરી કમિટીને જણાવ્યું હતું કે કોલેજ-સંચાલકોને પણ સાંભળો અને અમને કહો, તેઓ શું કહેવા માગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 26મી સપ્ટેમ્બર સુધીમાં દરેક ઝોનમાંથી બે પ્રતિનિધિનાં નામ મોકલવા એફઆરસીએ કહેણ મોકલ્યું હતું. જ્યાર બાદ દક્ષિણ ઝોન, નોર્થ-ઈસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને નોર્થ ઝોનની બબ્બે કોલેજો તથા એસોસિયેશન ઓફ એસએફઆઈ કોલેજીસ એસોસિયેશન-અમદાવાદ, એસોસિયેશન ઓફ એઆઈસીટીઈ એપ્રૂવ્ડ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ ઓફ ગુજરાત-રાજકોટ અને એસોસિયેશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેક્નિકલ ડિપ્લોમા કોલેજીસ-અમદાવાદે પોતાના બે પ્રતિનિધિનાં નામ એફઆરસીને 26મી સુધીમાં મોકલી આપ્યાં હતાં. સંચાલકો 25 ટકા જેટલી ફી ઘટાડે તેવી પણ શક્યતા છે. જોકે સંચાલકો ફી ન ઘટાડતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here