એક તરફ કોરોના વાઇરસના કેસો એક કરોડ નજીક પહોંચી ગયા છે ત્યારે બીજી તરફ તેને અટકાવવા મદદરૂપ ગણાતી કોરોનાની રસીની તજવીજ હાથ ધરાઇ રહી છે. સરકારે કોરોનાની રસીના વિતરણની એક 113 પાનાની એડવાઇઝરી જાહેર કરી છે.પ્રાપ્ત રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં 50 વર્ષથી વધુ વયનામાં ડાયાબિટિસ અને હાઇ બ્લડ પ્રેશર વાળા દર્દીઓ હોય ત્યાં રસીના વધુ ડોઝ આપવામાં આવશે. જોકે આ બધુ રસીનું પરીક્ષણ 100 ટકા સફળ રહ્યા બાદ કરાશે.

તમિલનાડુમાં અન્ય રાજ્યો કરતા વસતી ઓછી હોવા છતા ત્યાં કોરોના રસીના વધુ ડોઝ આપવામાં આવશે

કોરોના

તમિલનાડુમાં અન્ય રાજ્યો કરતા વસતી ઓછી હોવા છતા ત્યાં કોરોના રસીના વધુ ડોઝ આપવામાં આવશે. તમિલનાડુમાં 7.6 કરોડની વસતી છે, બિહારમાં 12.3 કરોડ છે.

જોકે બિહારમાં માત્ર 1.8 કરોડ વસતી 50 વર્ષથી વધુ વયની છે જ્યારે તમિલનાડુમાં તેની સંખ્યા બે કરોડથી વધુ છે. જેને પગલે જ તમિલનાડુમાં કોરોનાની રસીના વધુ ડોઝ આપવામાં આવશે. અન્ય રાજ્યો પર નજર કરીએ તો ઉ. પ્રદેશમાં 15 ટકા લોકો 50 વર્ષથી વધુ વયના છે. જે બાદ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને બિહારનો નંબર આવે છે.

આંકડા મુજબ કેરળમાં 25 ટકાથી વધુ લોકોને ડાયાબિટિસ છે, જેને કારણે જ કેરળ જેવા રાજ્યોમાં કોરોનાની રસીના વધુ ડોઝ આપવા જરૂરી ગણાય છે. સરકાર દ્વારા જારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે રસીના ડોઝ આપવા માટે ચોક્કસ દિવસ નક્કી કરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમા વધુ 23185 કેસ

કોરોના

એક સત્રમાં 100થી વધુ લોકોને રસી આપી શકાશે. બીજી તરફ કોરોનાનો કેર અટક્યો નથી, છેલ્લા 24 કલાકમા વધુ 23185 કેસ સામે આવ્યા છે જેને પગલે કુલ કેસોનો આંકડો 99 લાખને પાર કરી ગયો છે અને 9906305એ પહોંચી ગયો છે જે આ સપ્તાહે જ એક કરોડને પાર પહોંચી શકે છે.

વધુ 374ના મોત સાથે મૃત્યુઆંક 143697ને વટાવી ગયો છે જ્યારે વધુ 35633 સાથે સાજા થયેલાની સંખ્યા 9412964ને પાર કરી ગઇ છે. દરમિયાન આઇઆઇટી મદ્રાસમાં કોરોનાના 100 કેસ સામે આવ્યા છે જેને પગલે ઇન્સ્ટિટયૂટને બંધ કરી દેવી પડી છે.

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંઝીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે પક્ષની બેઠકો રદ કરાઇ છે અને માંઝીને સારવાર અપાઇ રહી છે. જ્યારે સાજા થયેલાની સંખ્યા વધતા હવે દેશમાં એક્ટિવ કેસો 3.52 લાખ પર પહોંચી ગયા છે. આ મહિને દરરોજ નવા કેસોની સંખ્યા 30 હજારની નીચે પહોંચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here