ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર આકાશ ચોપરાએ છેલ્લા એક દાયકાની તેની સર્વશ્રેષ્ઠ ટી20 ઇલેવનની પસંદગી કરી છે. આ ટીમમાં તેણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી જેવા ખેલાડીને સામેલ કર્યા છે પરંતુ તેણે કેપ્ટન તરીકે વિરાટ કોહલીને પસંદ નહી કરીને આશ્ચર્ય સર્જી દીધું છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીને તો ટીમમાં સામેલ કરાયો નથી.

આકાશ ચોપરા આમેય આશ્ચર્ય સર્જવા માટે જાણીતો છે. હંમેશાં સમાચારમાં રહેવા માટે આકાશ ચોપરા આ રીતે કોઈ અખતરા કરતો રહે છે. તેણે તેની શ્રેષ્ઠ વર્લ્ડ ટી20 ઇલેવનની પસંદગી કરી છે જેમાં ટી20 ઇતિહાસમાં સૌથી વધુ રન અને સદી ફટકારનારા ક્રિસ ગેઇલને પણ સામેલ કરાયો નથી.

ધોની

આ ઇલેવનના કેપ્ટન તરીકે લસિત મલિંગાની પસંદગી કરવામાં આવી છે. આ ઇલેવનમાં ધોની, ક્રિસ ગેઇલ ઉપરાંત કેન વિલિયમ્સન અને ડી વિલિયર્સ પણ સામેલ નથી. આ જાણીને ઘણા યુઝર્સે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. કેટલાકે તો લખ્યું છે કે ધોનીનું નામ નથી તો ટીમ પર નજર કરવાનો પણ મૂડ નથી. કોઈએ ડી વિલિયર્સ કે હાર્દિક પંડ્યાની ગેરહાજરી પર સવાલ કર્યા છે.

આકાશ ચોપરાએ કેટલાક મહાન ખેલાડીઓને પસંદ નહી કરવાનું કારણ પણ દર્શાવ્યું હતું. તેણે કહ્યું કે આ માટે આકરી મહેનત કરવી પડે છે. આ કોઈ મજાક નથી. મેં દાયકાની વર્લ્ડ ઇલેવન પસંદ કરવાની શરૂઆત કરી તો મને સમજાતું ન હતું કે કેવી ટીમ હોવી જોઇએ. ઘણા ખેલાડી એવા છે જે છેલ્લા દસ વર્ષમાં તેમની ટીમ માટે 50 મેચ રમ્યા નથી. જો તમે તમારી ટીમ માટે, તમારા દેશ માટે દસ વર્ષમાં 50 મેચ રમ્યા નથી તો તમે શું કરો છો?

તેણે ઉમેર્યું કે વેસ્ટ ઇન્ડિઝમાં ઘણા ખેલાડી આવા જ છે. ટીમ સારી છે, ટ્રોફી જીતે છે પણ તેઓ માત્ર ટ્રોફી જીતવા સાથે જાય છે પછી અલગ થઈ જાય છે. ક્રિસ ગેઇલ આ દસ વર્ષમાં તેના દેશ માટે 40 મેચ નથી રમ્યો. રોહિત શર્મા મારો ઓપનર છે કેમ કે તે 89 મેચ રમ્યો છે. તેની સાથે એરોન ફિંચ છે. હકીકતમાં ગેઇલ હોવો જોઇએ. ત્યાર બાદ કોહલી, સોરી રાહુલ, સોરી બાબર આઝમ. ચોથા ક્રમે સાકીહ અલ હસનની પસંદગી કરીને ચોપરાએ કહ્યું કે તે મેચ વિનર છે. ત્યાર બાદ બટલર અને ધોનીમાં દ્વિધા હતા. ધોની સાથે ઇમોશન છે પરંતુ આખરે ટી20 ઇન્ટરનેશનલની જ વાત છે તો બટલરની પસંદગી કરી.

આકાશ ચોપરાની વર્લ્ડ ઇલેવન : રોહિત શર્મા, એરોન ફિંચ, વિરાટ કોહલી, સાકીબ હસન, જોઝ બટલર, ગ્લેન મેક્સવેલ, કેઇરોન પોલાર્ડ, રાશીદ ખાન, જસપ્રિત બુમરાહ, લસિત મલિંગા (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here