બે દિવસ બાદ એટલે કે 17મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. બંને ટીમ અત્યારે તેમની અંતિમ ઇલેવનની રચનામાં વ્યસ્ત છે. ભારત પાસે ઘણા વિકલ્પ છે અને તેને કારણે ટીમ મેનેજમેન્ટ ગુંચવણમાં છે તો ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડી ઘાયલ છે. તેથી તેમાં કોને સમાવવા કરતાં કોણ ટીમમાં રમી શકશે તેની સમસ્યા છે. ટીમ મેનેજમેન્ટ આ અંગે જ મંત્રણા કરી રહ્યું છે.
ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે કોને લેવાશે તેની વિચારણા

એડિલેડમાં રમાનારી પિંક બોલ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે કોને લેવાશે તેની વિચારણા ચાલી રહી છે. એક તરફ રિદ્ધિમાન સહા છે જેનું કીપિંગ શાનદાર છે તો બીજી તરફ રિશભ પંત છે જેની બેટિંગ આક્રમક છે. પંતે હજી બે દિવસ અગાઉ ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામેની મેચમાં માત્ર 73 બોલમાં સદી ફટકારી હતી.
હજી એ નક્કી થઈ શક્યું નથી કે 36 વર્ષના ચબરાક વિકેટકીપરને ટીમમાં સ્થાન આપવું કે 23 વર્ષના આક્રમક બેટ્સમેન-વિકેટકીપર રિશભ પંતને અંતિમ ઇલેવનમાં સામેલ કરવો. આ અંગે વોર્મ અપ મેચમાં સદી ફટકારનારા હનુમા વિહારીને સવાલ કરાયો હતો. તેણે એમ જણાવ્યું હતું કે આ તંદુરસ્ત હરિફાઈ છે જે ટીમ માટે સારી નિશાની છે.
સહાની શાનદાર વિકેટકીપિંગ અને ડિફેન્સિવ બેટિંગને પ્રાથમિકતા આપવામાં આવશે
એમ મનાય છે કે સહાની શાનદાર વિકેટકીપિંગ અને ડિફેન્સિવ બેટિંગને પ્રાથમિકતા આપવામાં આવશે. હવે મેચ અગાઉ એડિલેડના હવામાન અને પિચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇલેવનની પસંદગી કરાશે. ચીફ કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી, આસિસ્ટન્ટ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ ભરત અરુણ અને પસંદગીકાર હરવિન્દરસિંઘ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને તેઓ આ અંગે નિર્ણય લેશે.
રિદ્ધિમાન સહાએ પહેલી વોર્મ અપ મેચમાં 54 રનની ઇનિંગ્સ રમીને ભારતીય ટીમને પરાજયમાંથી ઉગારી હતી. એ વખતે તેણે જેમ્સ પેટિન્સન, માઇકલ નેઝર અને કેમરૂન ગ્રીન જેવા બોલરન સામનો કરીને ટીમ માટે ઢાલ બની રહેવાનું કામ કર્યું હતું. બીજી તરફ રિશભ પંતે બીજી વોર્મ અપ મેચમાં સદી ફટકારી ત્યારે ભારતીય ટીમ અગાઉથી જ બહેતર પરિસ્થિતિમાં હતી. આ બાબત પણ ટીમ મેનેજમેન્ટ ધ્યાનમાં લેશે.