રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પ્રોજેક્ટમાં રોજ નવી નવી રોન નીકળવા લાગી છે.જમીન સંપાદનની કામગીરી માંડ પૂર્ણ થઇ છે ત્યાં હવે રોડ નીચેથી નિત નવી યુટીલિટી લાઇન્સ નીકળવા લાગી છે જેનું સ્થળાંતર કરવામાં પણ ખાસ્સો સમય લાગી રહયો છે. લોકડાઉન, ચોમાસુ અને કોરોનાના લીધે પ્રોજેક્ટની કામગીરી મહદ્અંશે સ્થગિત થઇ હતી જે હાલ શરૂ તો થઇ ગઇ છે પરંતુ સમગ્ર પ્રોજેક્ટ એક વર્ષ વિલંબિત થઇ ગયો છે. નવેમ્બર-૨૦૧૯માં ખાતમુહૂર્ત કરાયેલા આ પ્રોજેક્ટનું હવે નવેમ્બર-૨૦૨૧ના બદલે નવેમ્બર-૨૦૨૨માં લોકાર્પણ થાય તેવી સંભાવના છે!


વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રસ્તા નીચે ડકટ લાઇન, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર લાઇન વિગેરે પાઇપલાઇનો ક્યાં આગળ આવેલી છે તેના નકશા ઉપલબ્ધ ન હોય ’ટ્રાયલ એન્ડ એરર’ના ધોરણે ખોદકામ કરી યુટીલિટી લાઇન્સ શોધી શોધીને શિફ્ટ કરાઇ રહી છે. આ ઉપરાંત પીજીવીસીએલની ઇલેક્ટ્રિક લાઇન્સ અને વીજ થાંભલાઓ, બીએસએનએલની ટેલિકોમ લાઇન્સ અને તેના થાંભલાઓ શિફ્ટ કરવા તેમજ પ્રોજેકટમાં નડતરરૂપ વૃક્ષો દુર કરવા સહિતની કામગીરી હાલ ચાલી રહી છે, બ્રિજ કન્સ્ટ્રક્શનની મુળ કામગીરીમાં તો હજુ પાયાનું ખોદકામ ચાલી રહ્યું છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે બ્રિજ પ્રોજેક્ટનું નવેમ્બર-૨૦૧૯માં ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ વાસ્તવિક રીતે તો કામ માર્ચ-૨૦૨૦થી શરૂ થયું હતું કામ શરૂ થયું ત્યાં લોકડાઉન જાહેર થયું લોકડાઉન ખુલ્યું ત્યાં ચોમાસુ બેસી ગયું અને ત્યારબાદ કોરોનાનાં કારણે પ્રોજેકટ સતત વિલંબિત થતો રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ચોકની અત્યંત ગંભીર ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નિર્માણ કરવામાં આવી રહેલા ઓવરબ્રિજ પ્રોજેક્ટના કામમાં વિલંબ થતાં હવે આ રોડને લાગુ એવા અન્ય એપ્રોચ રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાવા લાગી છે.


ખાસ કરીને બ્રિજના પાયાનું ખોદકામ શરૂ કરાયું છે ત્યારે ખોદકામ ફરતે પતરાની આડશો મુકાઇ નથી કે બેરિકેડિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોય અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. જવાહર રોડ પર આવેલી હોટેલો તરફનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જ્યારે પથિકાશ્રમ તરફ પતરાની આડશો મુકાઇ છે. હાલ કોરોના મહામારીની સ્થિતિમાં દરરોજ અનેક એમ્બ્યુલન્સ આ રોડ પરથી પસાર થાય છે ત્યારે અકસ્માતની સંભાવના વધી જાય છે. જીવલેણ અકસ્માત સર્જાય તે પૂર્વે મહાપાલિકા તંત્ર વહેલી તકે બ્રિજ પ્રોજેક્ટના સમગ્ર ખોદકામ ફરતે પતરાની આડશો મૂકે અથવા તો બેરીકેડિંગ કરાવે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here