ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે હાથ ધરાયેલા એક સરવેમાં સામે આવ્યું છે કે દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૬૦ ટકા મહિલાઓએ પોતાની જિંદગીમાં ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ જ નથી કર્યો. નેશનલ ફેમેલી હેલ્થ સરવેમાં આ આંકડા સામે આવ્યા છે. આ સરવે દેશના આશરે ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.

જે રાજ્યોમાં ૪૦ ટકાથી ઓછી મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે તેમાં આંધ્રમાં ૨૧, આસામમાં ૨૮.૨, બિહારમાં ૨૦.૬, ગુજરાતમાં ૩૦.૮, કર્ણાટકમાં ૩૫, મહારાષ્ટ્રમાં ૩૮, મેઘાલયમાં ૩૪.૭, તેલંગાણામાં ૨૬.૫, ત્રિપુરામાં ૨૨.૯, પશ્ચિમ બંગાળમાં ૨૫.૫, દાદર અને નગર હવેલી, દિવ અને દમણમાં ૩૬.૭, અંદામાન નિકોબારમાં ૩૪.૮ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે કે જેઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.

મહિલાઓની સરખામણીમાં પુરુષો દ્વારા ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે

મહિલાઓની સરખામણીમાં પુરુષો દ્વારા ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાત રાજ્યોમાં ૫૦ ટકા પુરુષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે જેમાં આંધ્રમાં ૪૮.૮, આસામમાં ૪૨.૩, બિહારમાં ૪૩.૬, મેઘાલયમાં ૪૨.૧, ત્રિપુરમાં ૪૫.૭, પશ્ચિમ બંગાળમાં ૪૬.૭, અંદામાન નિકોબારમાં ૪૬.૫ ટકા પુરુષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હોવાનું સરવેમાં સામે આવ્યું છે.

૧૮ વર્ષથી ઓછી વયે લગ્ન કરનારી મહિલાઓની રાજ્યવાર ટકાવારી

૧૮ વર્ષથી ઓછી વયે લગ્ન કરનારી મહિલાઓની રાજ્યવાર ટકાવારી પર નજર કરીએ તો આંધ્ર પ્રદેશમાં ૧૨.૬, આસામમાં ૧૧.૭, બિહારમાં ૧૧, ત્રિપુરામાં ૨૧.૯, પશ્ચિમ બંગાળમાં ૧૬.૪ ટકા મહિલાઓએ ૧૮ વર્ષથી ઓછી વયે લગ્ન કરવા પડયા હતા અને જેમની સરેરાશ ઉમર ૧૫થી ૧૯ વર્ષ સુધીની હતી અને આ મહિલાઓ સરવે સમયે ગર્ભવતી પણ હતી કે માતા બની ગઇ હતી. જ્યારે ૨૦થી ૨૪ વર્ષની વય ધરાવતી મહિલાઓએ ૧૮ વર્ષ પહેલા જ લગ્ન કરવા પડયા હતા તેમાં ૪૦.૮ ટકા બિહારમાં, ત્રિપુરમાં ૪૦.૧, પશ્ચિમ બંગાળમાં ૪૧.૬ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

અન્ય રાજ્યો પર નજર કરીએ તો ગુજરાતમાં ૨૧.૮ ટકા, કર્ણાટકમાં ૨૧.૩, મહારાષ્ટ્રમાં ૨૧.૯ ટકા મહિલાઓ એવી છે કે જેમની સરવે સમયે ઉંમર ૨૦થી ૨૪ વર્ષની હતી અને તેઓએ ૧૮ વર્ષથી ઓછી વયની હતી ત્યારે લગ્ન કરવા પડયા હતા. ૧૮ વર્ષથી ઓછી વયે યુવતીઓના લગ્ન કરાવવા ગેરકાયદે છે જ્યારે પુરુષોની વય મર્યાદા ૨૧ વર્ષ કે તેથી વધુની છે.

સરવે મુજબ બાળ વિવાહનું પ્રમાણ યુવતીઓમાં પુરુષો કરતા વધુ જોવા મળ્યું છે. જ્યારે એક સરવે લોકોના રાંધણ માટેના ઇંધણ પર કરાયો છે, જે મુજબ દેશમાં પાંચ રાજ્યોમાં ૪૫ ટકા પરિવાર એવા છે કે જેઓ સ્વચ્છ ઇંધણનો ઉપયોગ રસોઇ માટે કરે છે. જ્યારે દેશમાં ૯૦ ટકા પરિવાર એવો છે કે જેને ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. ૭૦ ટકા પરિવાર પાસે સ્વચ્છ પાણીના સ્ત્રોત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here