કોરોનાની મહામારી વચ્ચે શનિવાર અને રવિવારના રોજ ગુજરાતમાંથી ૨૦ હજારથી વધુ લોકો પોળોની મુલાકાત લેતા હોવાથી સ્થાનીક વિસ્તારોમાં સંક્રમણનો ભય પેદા થતા સ્થાનિક લોકોએ અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. વધતા જતા પ્રવાસીઓને પગલે પોલીસતંત્ર અને વનવિભાગ તંત્ર પણ પ્રવાસીભીડ ને નિયંત્રણ કરવામાં નાકે દમ આવી જતો હતો કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવાની લાહ્યમાં મોટા ભાગના પ્રવાસીઓ માસ્ક વગર અને ટોળેટોળા ઉમટતા સોશ્યલ ડીસ્ટન્સના તો લીરેલીરા ઉડી રહ્યા હતા. આખરે વહીવટી તંત્ર કોરોના પ્રત્યે ગંભીર બન્યું હોય તેમ ઓક્ટોમ્બર મહિનાના ત્રણ શનિવાર અને ત્રણ રવિવારના દિવસે બહારના પ્રવાસીઓ મુલાકાતે આવી શકશે નહી. જે અંગે શુક્રવારે જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જોકે સ્થાનિક લોકોને તેમાથી મુક્તિ અપાઈ છે.
અમદાવાદની નજીક આવેલા સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોળોના જંગલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો શનિ અને રવિવારની રજાઓમાં પોળાના જંગલોમાં ફરવા પહોંચે છે.
સાબરકાંઠાના કલેક્ટર સી.જે.પટેલે શુક્રવારે જાહેર કરેલા પ્રસિધ્ધ નામામાં જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝેટીવ કેસની સંખ્યા લગભગ 949 થઈ ગઈ છે. અને રોજબરોજ કેસમાં વધારો નોધાઈ રહ્યો છે. દરમિયાન ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે ત્યારે ગુજરાત ભરમાંથી વિજયનગર તાલુકાના અભાપુરના જંગલો અને ઐતિહાસિક ધરોહર સમાન પોળોના જંગલો સોળેકળાએ ખીલી ઉઠયા છે. જેને લઈને રોજબરોજ અનેક પ્રવાસીઓ પોળોની મુલાકાતે આવી રહ્યા છે. જેને લીધે અભાપુરના જંગલોમાં પર્યાવરણ પર ખતરો ઉભો થવાની શક્યતા વધી જતા મોડેમોડે વહીવટી તંત્ર જાગ્યુ હતુ અને કલેક્ટરે જાહેરનામુ બહાર પાડીને પોળો પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જિલ્લા કલેક્ટરે ઓક્ટોમ્બર મહિનાના તા. 01 થી 18 વચ્ચે આવતા શનિવાર અને રવિવારે બહારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જોકે આ જાહેરનામુ સ્થાનિક લોકો માટે લાગુ પડશે નહી. તેમ છતા પ્રવાસીઓ માટે વિજયનગર તાલુકાના અભાપુરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધી પ્રતિબંધિત વિસ્તારમાં સમાવેશ કરાયો છે. જે જાહેરનામુ તા. 18 ઓક્ટોમ્બર સુધી અમલી રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ ફોજદારી અધિનિયમની કલમ 188 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બનશે જેના માટે નાયબ પોલીસ અધિક્ષકથી પીએસઆઈ સુધીનો હોદ્દો ધરાવનાર અધિકારીઓ ભંગ કરનાર વિરૂધ્ધ ગુનો નોંધી શકશે. જોકે જિલ્લા કલેક્ટરે આ જાહેરનામાની જાણ તમામ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ તથા રેન્જ ફોરેસ્ટ ઓફીસર ધોલવાણીને કરી દેવામાં આવી છે.