જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી થવાની છે. કાશ્મીરમાં લોકભાગીદારીથી થનારી આ ચૂંટણીમાં વિઘ્ન નાખવા માટે પાકિસ્તાની સૈન્ય અને પાક. આતંકવાદીઓ ઘાંઘાં થયા છે. કાશ્મીર ઘાટીમાં એક જ દિવસમાં ત્રણ આતંકવાદી હુમલા થયા હતા. એક જવાનને ઈજા પહોંચી હતી. એક આતંકવાદીને પણ પકડી લેવાયો હતો.

જમ્મુ કાશ્મીર

ત્રણ અલગ અલગ સ્થળોએ આતંકવાદી હુમલા

કાશ્મીર ઘાટીમાં એક જ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આતંકવાદી હુમલા થયા હતા. એક હુમલો અનંતનાગમાં સીઆરપીએફના જવાનોને નિશાન બનાવીને થયો હતો,પરંતુ હુમલામાં સદ્ભાગ્યે કોઈ જ જાનહાનિ થઈ ન હતી. બીજો હુમલો અવંતીપુરાના બિજબેહાડામાં થયો હતો. સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડથી હુમલો થયો હતો, પરંતુ સીઆરપીએફના જવાનોની સમયસૂચકતાથી હુમલો નિષ્ફળ ગયો હતો. ત્રીજો હુમલો અવંતીપુરાના જ કદલબલ વિસ્તારમાં થયો હતો.

હિઝબુલ મુઝાહિદ્દીનનો એક આતંકી ઝડપાયો

સુરક્ષાદળોને નિશાન બનાવીને થયેલા હુમલાનો ભારતના સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. એક જવાન આ હુમલામાં ઘાયલ થયો હતો. સુરક્ષાદળોએ આતંકવાદીઓને આક્રમક જવાબ આપીને હિઝબુલ મુઝાહિદ્દીનનો એક આતંકી પકડી પાડયો હતો. અનંતનાગમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. એમાં જ એ આતંકવાદી ઘાયલ હાલતમાં ઝડપાયો હતો. તે સિવાયના સ્થળોએ હુમલો કરનારા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અમૃતસરમાં 2 પાકિસ્તાની ઘૂસણખોર ઠાર

બીજી તરફ અમૃતસરમાં બીએસએફના જવાનોએ બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. આ ઘૂસણખોરો પાસેથી ડ્રગ્સનો જથ્થો ઉપરાંત એકે-૪૭ સહિતના હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. બીએસએફના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરનારા આ ઘૂસણખોરો હથિયારો ઉપરાંત હેરોઈનનો જથ્થો પણ પંજાબમાં ઘૂસાડવાની ફિરાકમાં હતા. ઘટનાસ્થળ આસપાસ હથિયારોનો જથ્થો છુપાવ્યો હોવાની શક્યતાના પગલે સુરક્ષાદળોએ આખાય વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૃ કર્યું છે.

પાકિસ્તાની સેનાની અવળચંડાઈ

પાકિસ્તાનની લશ્કરે પણ સરહદે અવળચંડાઈ ચાલુ રાખી હતી. સરહદે અવિરત તોપમારાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાનના નાપાક લશ્કરે ભારતની સરહદે ચોકીઓને અને ગામડાઓને નિશાન બનાવીને બેફામ ફાયરિંગ કર્યું હતું અને ઘણાં સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here