અમદાવાદમાં કોરોનાએ 17મી માર્ચે પહેલાં બે કેસ આવ્યાને આજે નવ મહિના થયા છે. હાલ વાયરસ ધીમો અને ઢીલો પડયો છે. કેસો ઘટયા છે પણ એ દિશામાં બેદરકાર રહેવું જરા પણ પોસાય તેવું નથી. રોડની કિનારીએ બંધાયેલાં તંબુ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટીંગ માટે લાગતી લાઈનો ઘટી ગઈ છે. રોજ 10,000 ટેસર્ટ થતા તે ઘટીને 3000 જેટલાં થઈ રહ્યાં છે. દરમ્યાનમાં આજે વધુ 224 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવતાં તેમણે સારવાર લેવાનું ચાલું કર્યું છે.
તંબુ અને અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટીંગ માટે લાગતી લાઈનો ઘટી ગઈ
જ્યારે સારવાર દરમ્યાન ચાર દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. સાજા થઈ ગયેલાં 221 લોકોને જુદી જુદી હોસ્પટલોમાંથી રજા આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 56219ને આંબી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.આ કારણથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ મુકવામાં આવેલા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ગુરુવારે શહેરના એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો નથી
બીજી તરફ ગુરુવારે શહેરના એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો નથી.ગુરુવારે મ્યુનિ.તંત્ર દ્વારા અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલાં ૪૯ સ્થળમાંથી પાંચ સ્થળમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાંથી દુર કરવામાં આવ્યા છે.જેને લઈને હવે શહેરમાં માત્ર ૪૪ સ્થળ જ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં રહેવા પામ્યા છે.
નિયંત્રણમાં આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો
અત્રે નોંધનીય છે કે,અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ દરમ્યાન આપવામાં આવેલી વ્યાપક મુકિતને કારણે ફરી એક વખત કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી હતી.જે હવે નિયંત્રણમાં આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.