આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક જાહેર સમારંભમાં માસ્ક નહીં પહેરવા બદલ ટ્વીટર પર વડાપ્રધાન મોદીને ટ્રોલ કર્યા હતા. આપે કોરોના મહામારી મુદ્દે લોકોને ગંભીરતા દાખવવા અને વડાપ્રધાન મોદી જેવા નહીં બનવાની સલાહ આપતાં માસ્ક પહેરવા જણાવ્યું હતું. જોકે, મોદીએ કયા જાહેર સમારંભમાં માસ્ક નહોતો પહેર્યો તે જાણી શકાયું નથી.

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યો વિડીયો

આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં વડાપ્રધાન મોદી એક જાહેર કાર્યક્રમમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા હતા જ્યારે તેમના સુરક્ષા અને અન્ય અધિકારીઓએ માસ્ક પહેર્યા હતા.

વીડિયોમાં પીએમ મોદી દેખાયા માસ્ક વગર

વડાપ્રધાન મોદીને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ વેચતા એક દુકાનદાર સાથે વાતચીત કરતા વીડિયો ક્લિપમાં દર્શાવાયા છે. જોકે, આ વીડિયો ક્યારે અને ક્યાં રેકોર્ડ કરાયો હતો તે સ્પષ્ટ નથી. દેશમાં કોરોના મહામારી ફેલાઈ ત્યારથી વડાપ્રધાન મોદી લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા વિનંતી કરી રહ્યા છે.

પીએમ મોદી અનેક વાર કરતા રહ્યા છે અપીલ

વધુમાં રાષ્ટ્રજોગ અનેક સંબોધનો અને સભાઓમાં પણ મોદીને માસ્ક પહેરેલા જોઈ શકાયા છે. તાજેતરમાં દેશમાં કોરોના મહામારી આંશિક રીતે નિયંત્રણમાં આવી હોવા છતાં વડાપ્રધાન મોદીએ લોકોને કોરોના વાઈરસની રસી શોધાઈ ન જાય ત્યાં સુધી આ ચેપી બીમારીને હળવાશથી નહીં લેવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપી હતી.

આપે પીએમ મોદીને કર્યા ટ્રોલ

જોકે, આપે માસ્ક વિના ફરતા વડાપ્રધાન મોદીનો વીડિયો વાયરલ કરીને તેમને ટ્રોલ કરવાની સાથે લોકોને મોદી જેવા બેજવાબદાર નહીં બનવા સલાહ આપી હતી. ભાજપે હજી સુધી આ હુમલાનો જવાબ નથી આપ્યો, પરંતુ ટ્વીટર પર વડાપ્રધાન મોદીના ટેકેદારોએ આપ નેતાઓ પર વળતો હુમલો કરતાં આક્ષેપ કર્યો હતો કે તાજેતરના કેટલાક મહિનામાં આપના અનેક નેતાઓ અનેક જાહેર સમારંભમાં માસ્ક વિના ફરતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here