સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થયેલા ‘બાબા કા ઢાબા’ ચલાવનાર કાંતા પ્રસાદ ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. બાબાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પહેલા 8 ડિસેમ્બરે તેમને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને તેણે બાબાને તેમની દુકાનને આગ ચાંપવાની અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

બાબાએ દિલ્હી પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું કે બીજી વાર તેમને 14 ડિસેમ્બરે ધમકી મળી. જ્યારે તેઓ સવારે પોતાની દુકાન પર પહોંચ્યા ત્યારે ત્યાં ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતાં, તેમણે બાબા પાસે ચા માંગી. આ વચ્ચે તેમાંથી એક શખ્સે બાબાને ધમકી આપી કે તેમણે ગૌરવ વાસન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીને બરાબર નથી કર્યુ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. બાબાનો આરોપ છે કે ધમકી આપનાર શખ્સે પોતાને ગૌરવ વાસનનો મિત્ર ગણાવ્યો હતો.

બાબા

કોણ છે ગૌરવ વાસન

ગૌરવ વાસન એક યુટ્યૂબર છે જેની યુટ્યૂબ ચેનલના લાખો ફોલોઅર્સ છે. ગૌરવે જ કાંતા પ્રસાદનો એક વીડિયો તેના ઢાબામાં બનાવ્યો હતો જે ખૂબ જ વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોમાં ગૌરવે લોકોને બાબાને મદદ કરવાની અપીલ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ લાખો લોકોએ બાબાના નામે પૈસા ડોનેટ કર્યા હતા. પરંતુ થોડા જ દિવસો બાદ બાબા કાંતા પ્રસાદ અને ગૌરવ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. જ્યારે બાબાએ ગૌરવ ઉપર ડોનેશનમાં આવેલા પૈસા ચાઉ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાબાએ તેને લઇને માલવીય નગર પોલીસસ્ટેશનમાં ગૌરવ સાહની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી.

દિલ્હી પોલીસ કરી રહી છે બાબાના આરોપોની તપાસ

દિલ્હી પોલીસના અધિકારીઓ અનુસાર બાબા તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળ્યાની ફરિયાદ તેમને મળી છે. જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ ઢાબાની આસપાસ તે સીસીટીવી ફુટેજને પણ પોલીસ ચકાસી રહી છે જેથી ધમકી આપનારા શખ્સોની ઓળખ કરી શકાય જે બાબાના ઢાબા પર પહોંચ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here