અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા ત્રણ હજારથી પણ વધુ શિક્ષકોને જરૃર જણાશે તો રજા મળી શકશે.એ સિવાય રજા મંજુર કરાશે નહીં એવો આદેશ કોવિડની કામગીરીના સંદર્ભમાં શાસનાધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમદાવાદ શહેરમાં હાલ આગામી સમયમાં આવી રહેલી કોરોના વેકિસનને ધ્યાનમાં રાખી હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.આ સર્વેની કામગીરીમાં પચાસ વર્ષથી ઉપરની વય જુથના નાગરીકો અને પચાસ વર્ષથી નીચેની વય જુથના નાગરીકો કે જેમને અન્ય બીમારી પણ હોય એવા નાગરીકોનો સર્વે થઈ રહ્યો છે.
શિક્ષકોની રજાઓ ઉપર નિયંત્રણ મુકતો પરિપત્ર

આ કામગીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની મદદ લેવામાં આવી રહી છે. આ માહીતી ચોકસાઈપૂર્વક પુરી થાય એ હેતુથી મ્યુનિ. શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની રજાઓ ઉપર નિયંત્રણ મુકતો પરિપત્ર કરવામાં આવ્યો છે.
શાસનાધિકારી લગધીર દેસાઈને આ અંગે પુછતાં તેમણે કહ્યુ, મ્યુનિ.શાળાના તમામ શિક્ષકો દ્વારા કોરોના મહામારી શરૃ થઈ એ સમયથી વિવિધ ફરજો બજાવવામાં આવી રહી છે. હવે વેકિસન આવવાની તૈયારીઓ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં તંત્રના આદેશ મુજબ, જો કોઈ શિક્ષકને વાસ્તવિક કારણોસર રજા લેવાની થશે તો એની કામગીરી અન્ય શિક્ષકને સોંપવામાં આવ્યા બાદ જ રજા મંજુર કરવામાં આવશે.