ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતાં તેની ગુજરાતના તાપમાન પર અસર દોવા મળી છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વનો પવન ફૂંકાતો ઠંડીનું જોર વધ્યું છે. ગુરુવારે રાજ્યના નલિયામાં ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું છે. આ પહેલાં વર્ષ 2010થી લઈને અક્યાર સુધીમાં ડિસેમ્બર મહિનામાં આટલું નીચું તાપમાન ગગડ્યું નથી. આ પહેલા નલિયામાં ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી વર્ષ 1964ની 11મી ડિસેમ્બર 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ઓલ ટાઈમ રેકોર્ડ બ્રેક રહ્યું છે. ગઈકાલની સરખામણીએ નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સીધો 6 ડિગ્રી ગગડતાં થીજવતી ઠંડી શરૂ થઈ છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો અચાનક જ વધતા લોકો ઠૂંઠવાઈ ગયા છે. શહેરીજનો ઠંડીથી બચવા લોકો ગરમ સ્વેટર અને મફલર પહેરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો ગરમ ગરમ સૂપની પણ મજા માણી રહ્યા છે. પોતાના મિત્રો અને પરિવાર સાથે બગીચાઓમાં પણ લોકો કસરત કરતા જોવા મળ્યા છે. મોટાભાગે છેલ્લા 10 વર્ષના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનામાં લધુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જાય છે. હવામાન ખાતાના આંકડા પ્રમાણે શહેરમાં 22મી ડિસેમ્બર પછી ઠંડીનું જોર વધે છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવ રહેશે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલું જ નહીં, આગામી બે દિવસ પછી રાજ્યનું તાપમાન ઉંચકાશે. જેના કારણે ઠંડીમાં નજીવો ઘટાડો થશે. રાજ્યમાં કમોસમી વરસાદ પછી છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. અચાનક લધુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. બે દિવસથી અમદાવાદનું તાપમાન પણ સતત ગગડી રહ્યું છે. મંગળવારે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી નોંધાયું હતું જે ચાર દિવસમાં 4 ડિગ્રી જેટલું ગગડ્યું છે. બીજી તરફ મહત્તમ તાપમાન નોર્મલ કરતાં નીચું નોંધાતા દિવસે પણ લોકો ઘ્રુજી રહ્યા છે. દિવસ દરમિયાન શહેરીજનો ગરમ વસ્ત્રો પહેરવા લાગ્યાં છે.

ગત વર્ષના ડિસેમ્બર માસની ઠંડીની વાત કરીએ તો નલિયામાં 28મી ડિસેમ્બર લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી નીચું તાપમાન 28મીએ 10.2 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય અમદાવાદમાં ડિસેમ્બરમાં રેકોર્ડબ્રેક ઠંડી 1983ની 27મી ડિસેમ્બરે પડી હતી. આ દિવસે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જાણો ભાવનગરમાં કેવી પડી રહી છે કાતિલ ઠંડી

શિયાળાએ તેના અસલી મીજાજ બતાવવાનુ શરૃ કરતા ઉત્તર પુર્વીય ઠંડા પવનોના કારણે ભાવનગરમા ઠંડીનુ સામ્રાજ્ય છવાઈ ગયુ છે. સીઝનનુ સૌથી નિચુ તાપમાન 13.5 ડિગ્રી નોંધાતા ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ. 24 કલાકમા લઘુતમ પારો 2.1 ડિગ્રી ગગડતા નગરજનોએ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

માગશર મહિનાના આરંભથી લઘુતમ પારો સતત ગગડતો રહ્યો છે. ભાવનગરમા પારો 13.5 ડિગ્રી ગગડવા સાથે 14 કિ.મી.ની ઝડપે ટાઢાબોળ પવનો ફૂંકાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સાંજ ઢળતા જ સોપો પડી ગયો હતો. કોલ્ડવેવની અસર બાળકો, બિમારો, વૃધ્ધો પર થઈ રહી છે. ગરમ ચા, કોફી, ઘાવો જેવા પીણાની ડિમાન્ડ વધી ગઈ હતી. ચા ની લારીઓ પર તડાકો બોલ્યો હતો. દિવસે પણ ગરમ વસ્ત્રો ચડાવી રાખવાની ફરજ પડી હતી. સમગ્ર રાજ્યમા ઠંડીનો કહેર છવાયો હોવાથી પારો હજુ વધારે ગગડી શકે છે. રાત્રે ભેજનુ પ્રમાણ વધીને 64 ટકા ગઈ ગયુ હતુ.

જોગર્સ પાર્કમા ચાલનારાની સંખ્યા વધી

ભાવનગરમા શિયાળાની જમાવટ થતા શહેરના જોગર્સ પાર્કમા વહેલી સવારે અને સાંજના સમય વોકીંગ માટે આવતા સ્વાસ્થ પ્રેમીઓની સંખ્યા વધી ગઈ છે. ભાવનગર યુનિ. મેદાન બહાર, આતાભાઈ ચોક તેમજ પીલગાર્ડનમા વોકર્સની સંખ્યા વધી ગઈ છે. પીલગાર્ડમા નાના નાના ભુલકાઓ હિંચકા તેમજ લપસણીની મોજ લઈ રહ્યા છે. તો શહેરના સર્કલોમા મળતા ઘાવો નામના પીણાની લોકો મજેથી લીજ્જત લઈ રહ્યા છે.

શહેરમા સાંજ પડતા જ સ્વયંભુ કર્ફયુ

ભાવનગરમા ઠંડીનુ તીવ્ર મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયા હતા. તાપણાનો સહારો લેવો પડયો હતો. તો ચા, કોફી, ઘાવો જેવા ગરમ પીણાની ડિમાન્ડ વધી ગઈ હતી. મોડી સાંજે શહેરના સોપો પડી ગયો હતો. જાણે સ્વયંભુ કર્ફયુ છવાઈ ગયો હતો.લોકોએ કામ વગર બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ. સમગ્ર રાજ્યમા ભારે ઠંડીની અસર છવાઈ જતા પારો હજુ વધારે નિચે જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

કચ્છમાં જાણો કેવી પડી રહી છે ઠંડી

કચ્છમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાના પગલે ઠંડા પવનથી કચ્છમાં ટાઢોડું છવાયું છે. કચ્છના મહત્ત્વના શહેરોમાં નોંધાયેલા તાપમાન પ્રમાણે નલિયામાં મહતમ 25.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ 2.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં મહતમ 25.7 ડિગ્રી તેમજ લઘુતમ 9 ડિગ્રી, ભુજમાં મહતમ 26.2 ડિગ્રી તેમજ લઘુતમ 10.2 ડિગ્રી અને કંડલા પોર્ટમાં મહતમ 25.1 અને લઘુતમ તાપમાન 12.5 નોંધાયું હતું.

ગાત્રો થિજાવતી ઠંડી અનુભવાતી હોવાના કારણે કચ્છીઓ હાલમાં કામ સિવાય ઘરની બહાર નીકળતા નથી. બજારોમાં સૂનકાર ભાસતો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ઘરની બહાર ચોક કે શેરીમાં તાપણાં કરતાં લોકો નજરે પડી રહ્યા છે, જે લોકોને ફરજિયાતપણે કામથી ઘરની બહાર નીકળવું પડે છે તેઓને સ્વેટર, સાલ કે ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ આ પ્રકારનું વાતાવરણ અઠવાડિયા સુધી તો રહેશે તેવી શક્યતા સેવાઇ છે.

બીજી તરફ રવીપાકમાં નોંધપાત્ર ઉત્પાદન મેળવવાની આશાએ બેઠેલા ખેડૂતોને પણ તીવ્ર ઠંડી પડવાના કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here