કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ અહેમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજ નું કોરોનાના કારણે નિધન થયું છે જેના કારણે રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ ખાલી પડેલી બંને બેઠકો માટે ચૂંટણી યોજવાની તૈયારીઓ કરી છે.

અહેમદ પટેલ

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી ચૂંટણી અધિકારીની વિગત માંગી હતી. આ પત્રમાં બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે જેના પગલે એ વાત સ્પષ્ટ થઈ છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજ્યસભામાં સંખ્યાબળ વધારવા માટે ભાજપ પ્રયત્નશીલ છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્ય સભાના સભ્ય તરીકે રાજીનામું આપતા રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી તે વખતે બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજાઈ હતી. જો કે કોંગ્રેસે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો પડકાર્યો હતો. અત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં આજ મુદ્દે થયેલી રિટની સુનાવણી ચાલી રહી છે.

આ સંજોગો વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 14 ડિસેમ્બરે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી રાજ્યસભાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીની વિગત માંગી હતી જેમાં બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી યોજાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ જોતા જો અલગ-અલગ ચૂંટણી થશે તો ભાજપ બંને બેઠકો જીતશે અને કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવશે. જો બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી થાય તો ઉમેદવારને જીતવા માટે 91 મતની જરૂર છે. હાલમાં ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 111 છે જ્યારે કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે.

બંને બેઠકોની અલગ-અલગ ચૂંટણી થશે તો ભાજપને કોંગ્રેસના એક પણ ધારાસભ્યને તોડવાની જરૂર નહિ પડે અને બધું સમુંસૂતરૂં પાર ઉતરી જશે. પેટા ચૂંટણીની જેમ રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ઝટકો લાગશે. રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી લઇને અલગ-અલગ જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here