NCB દ્વારા ડ્રગ્સ કનેક્શનને લઈને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અર્જુન રામપાલ (Arjun Rampal) પછી બોલિવૂડ ડાયરેક્ટર અને નિર્માતા કરણ જોહર(Karan Johar)ને NCBએ ગુરૂવારે સમન્સ પાઠવ્યુ હતું. તેની 2019ની પાર્ટીના વાયરલ વીડિયો (Viral Video) પર નોટિસ મળ્યા પછી શુક્રવારે કરણ જોહરે (Karan Johar) તેના વકીલના માધ્યમથી જવાબ પાઠવ્યો છે. ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે (Karan Johar) તેની 2019ની પાર્ટી દ્વારા વાયરલ થયેલા વીડિયો અંગે નોટિસ ફટકાર્યા બાદ હવે તેનો જવાબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ને આપ્યો છે. તપાસ એજન્સી હવે કરણ જોહર (Karan Johar) પાસેથી વિડિયો ફૂટેજની સચોટતા ચકાસવા માટે તેમને મળેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે. કરણે કાયદાના પ્રોટોકોલને અનુસર્યો અને તરત જ તેના વકીલ દ્વારા સમન્સનો જવાબ મોકલ્યો.

NCBના સૂત્રો તરફથી જાણવા મળ્યૂં છે કે તેમને યુએસબી-ડ્રાઈવમાં ફિલ્મ નિર્માતા દ્વારા જવાબ મળ્યો છે, જેમાં તેણે પાર્ટીમાં ડ્રગ્સના સેવનથી ઈન્કાર કર્યો છે. સાથે કરણે એ પણ કહ્યું છે કે જે મોબાઈલથી 2019ની પાર્ટીમાં વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો, તે ખોવાઈ ગયો છે. એનસીબી કરણને એ ફોન પણ સબમિટ કરવા કહ્યું હતું. હવે આ ડ્રાઈવમાં કરણ જોહરના નિવેદનની યોગ્ય તપાસ અને ચકાસણી કરવામાં આવશે.

કરણને એનડીપીએસ એક્ટના 67 (બી) કલમ હેઠળ સમન અપાયું હતું. જેમાં જણાવાયું છે કે પૂછપરછ માટે તેને પર્સનલી હાજર રહેવાની જરૂર નથી, પરંતુ તે માટે સહકાર આપવો પડશે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો બોલીવુડ પાર્ટીનો છે, જે કરણે જૂલાઈ 2019માં તેના ઘરે યોજી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદૂકોણ, શાહીદ કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વિકી કૌશલ જેવા તમામ સિતારાઓ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ એક પછી એક બોલીવુડ હસ્તીઓના નામ સામે આવ્યા છે અને આ મામલે એનસીબી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અર્જુન રામપાલ જેવા તમામ સિતારાઓની પૂછપરછ કરી ચુકી છે. હવે જોવુ એ રહ્યું કે આખરે આ તપાસમાં આગળ કયો નવો વળાંક આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here