કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે 473 મો સ્થાપના દિવસ છે. ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાંચમ સવંત ૧૬૦૫માં મહારાવ ખેંગારજી પહેલાએ કરી હતી. રાજવી ખેંગારજી પહેલાએ ભુજનું તોરણ બાંધી ખીલી ખોડી હતી. ત્યારબાદ દર વર્ષે ખીલી પૂજન કરવામાં આવે છે. ભુજમાં આવેલા દરબારગઢ , આયના મહેલ , પ્રાગમહેલ, રાણીમહેલ, ફતેમામદ ખોરડો તેમજ જુના રાજાશાહી સમયના નાકા ઐતિહાસિક શહેરનો પરિચય કરાવે છે.

ખીલીપૂજન વિધિ કરવામાં આવે છે
દર વર્ષે ભુજ શહેરની સ્થાપના દિવસે ભુજ નગરપાલિકા પ્રમુખ હસ્તે ખીલીપૂજન વિધિ કરવામાં આવે છે. ભુજની સ્થપના લઈને અત્યાર સુધીમાં ભુજે અનેક કુદરતી આપત્તીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોનો સામનો કર્યો છે.
2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ
૨૦૦૧માં કચ્છના આવેલા વિનાશકારી ભૂંકપમાં ભુજમાં મોટી ખુવારી થઈ હતી. જો કે ભુજ ૨૦૦૧ ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે પણ જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે.

કોંગ્રેસ કાર્યકરો ભૂલ્યા ભાન
ભુજ સ્થાપના દિવસની ઊજવણીમાં કોંગ્રેસનો કાર્યકરોનો અતિરેક જોવા મળ્યો હતો. જાહેર સ્થળ પર કેક કાપી કોંગ્રેસી કાર્યકરોએ ઊજવણી કરી હતી. જો કે આ સમયે કોંગ્રેસના કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં કોવિડના નિયમોનો ઉલ્લંઘન જોવા મળ્યો હતો.