પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી અમેરિકામાં છેતરપિંડીના આરોપમાં ફસાઈ ગયો છે. નેહલ મોદી પર મેનહટનમાં વિશ્વની સૌથી મોટી હીરા કંપનીઓમાંની એક એલએલડી અમેરિકા સાથે છેતરપિંડી કરીને રૂ. ૨૦ કરોડના હીરા ચોરી કર્યાનો આરોપ છે. ૪૧ વર્ષીય નેહલ મોદી પર ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટમાં ફર્સ્ટ ડિગ્રીમાં ચોરીનો આરોપ મૂકાયો છે.

નેહલ મોદી વિરુદ્ધ કેસ લડી રહેલા મેનહટન ડિસ્ટ્રિક્ટના એટર્ની વેન્સ જુનિયરે કહ્યું, હીરા હંમેશા માટે હોય છે, પરંતુ આ છેતરપિંડીની યોજના હંમેશા નહીં રહે. હવે નેહલ મોદીએ ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટનો સામનો કરવો પડશે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો, નિવેદનો મુજબ માર્ચ ૨૦૧૫થી ઓગસ્ટ ૨૦૧૫ વચ્ચે નેહલ મોદીએ ખોટી રીતે એલએલડી ડાયમન્ડ્સ અમેરિકા પાસેથી ૨.૬ મિલિયન ડોલર (અંદાજે ૨૦ કરોડ રૂપિયા)ના મૂલ્યના હીરા લીધા હતા.

નેહલ

નેહલ મોદીએ કંપની પાસેથી અંદાજે ૮ લાખ ડોલરના મૂલ્યના હીરા લીધા

ફરિયાદ પક્ષે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં ખૂબ જ જાણીતા પરિવારમાંથી આવતા નેહલે ઉદ્યોગના સાથીઓ મારફત એલએલડી ડાયમન્ડ્સના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. માર્ચ ૨૦૧૫માં નેહલ મોદીએ પહેલી વખત કંપની પાસેથી અંદાજે ૮ લાખ ડોલરના મૂલ્યના હીરા લીધા અને કહ્યું કે તે તેને કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને સંભવિત વેચાણ માટે બતાવશે. કોસ્ટકો એક ચેઈન છે, જે સભ્ય તરીકે જોડાયેલા તેના ગ્રાહકોને ઓછી કિંમતે હીરા વેચે છે.

એલએલડી પાસેથી હીરા મેળવ્યા પછી નેહલે કંપનીને ખોટી માહિતી આપી કે કોસ્ટકો આ હીરા ખરીદવા માટે તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી એલએલડીએ તેને તે હીરા ઉધાર આપ્યા અને ૯૦ દિવસમાં ચૂકવણી કરવા કહ્યું.

ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે જણાવ્યું કે ત્યાર પછી નેહલે હીરા મોડેલ કોલેટરલ લોન્સમાં ગીરવે મૂકીને ટૂંકી મુદતની લોન લીધી. એપ્રિલથી મે ૨૦૧૫ વચ્ચે નેહલે કોસ્ટકોને વેચવાના દાવા સાથે એલએલડી પાસેથી ૩ વખતમાં ૧૦ લાખ ડોલરથી વધુ કિંમતના હીરા લીધા. આ દરમિયાન નેહલે એલએલડીને આંશિક રકમની ચૂકવણી કરી, પરંતુ તે હીરાની રકમ ઘણી ઓછી હતી. એલએલડીને આ છેતરપિંડીનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં નેહલે બધા હીરા વેચીને તેના રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. પાછળથી એલએલડીએ મેનહટન પ્રોસીક્યુટર ઓફિસમાં તેની ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે નેહલના ભાઈ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૧ હજાર કરોડથી વધુનું કૌભાંડ કરવાના આરોપમાં વોન્ટેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here