ભારતમાં કોરોના મહામારીના નિયમોને દેખાડીને સામાન્ય પ્રજાને આકરો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે રાજકારણીઓને જાણે આ નિયમો લાગૂ જ ન પડતાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.કોવિડ અંગેના નિયમના અમલીકરણમાં ભારતમાં અસમાનતાના અહેવાલો મીડિયામાં ચમકતાં રહે છે, ત્યારે દક્ષિણ અમેરિકી દેશ ચિલીમાં રાષ્ટ્રપ્રમુખે માસ્ક પહેર્યા વિના તસવીર ખેંચાવતા તેમને 3,500 ડોલર (અંદાજે 2.57 લાખ રૂપિયા)નો દંડ ફટકારી દેવામાં આવ્યો હતો. ચિલીમાં પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને દંડથી માંડીને જેલ સુધીની સજા ફટકારવામાં આવે છે.
પિનેરાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ

ચિલીના રાષ્ટ્રપ્રમુખ સેબાસ્તીયન પિનેરાએ એક બીચ પર માસ્ક પહેર્યા વિના ત્યાં ઉપસ્થિત વ્યક્તિની સાથે તસવીર ખેંચાવી હતી. જે તેમણે માસ્ક ન પહેર્યું હોવાનો પુરાવો બની હતી અને આરોગ્ય સત્તાધીશોએ આ મામલે તેમને નાણાંકીય દંડ ફટકાર્યો હતો. ડિસેમ્બરના પ્રારંભમાં સેબાસ્તિયન પિનેરાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. જે પછી તેમણે આ મામલે નાગરિકોની માફી પણ માગી હતી.
ચિલીના પોશ વિસ્તાર કચાવામાં રાષ્ટ્રપ્રમુખ સેબાસ્તિયનનું ઘર આવેલું છે. તેઓ તેમના ઘરની નજીક આવેલા બીચ પર ફરવા નીકળ્યા હતા અને આ દરમિયાન એક મહિલા તેમને ઓળખી ગઈ હતી અને તેણે એક તસવીર ખેંચાવવાનો આગ્રહ કર્યો હતો. સેલ્ફીમાં રાષ્ટ્રપ્રમુખ અને મહિલા એકબીજાની નજીક ઉભેલા જોવા મળે છે અને બંનેએ માસ્ક પહેર્યા ન હતા.