ભારત સાથે બિનજરૂરી વિવાદ બાદ ચીન (China) એકલું થઈ ગયું છે. અમેરિકા (America) સહિત વિશ્વના ઘણા દેશોએ તેનાથી અંતર રાખી લીધું છે. ચીનની સામ્યવાદી સરકારે હવે સમજી લીધું છે કે ભારત માટે તેમની સામે ઉભા રહેવું મુશ્કેલ છે. ગ્લોબલ ટાઇમ્સ (Global Times)માં પ્રકાશિત થયેલા એક લેખ દ્વારા ચીને પોતાની હાર માનતા હિંદ મહાસાગર (Indian Ocean) માં ભારતના વર્ચસ્વને સ્વીકાર્યું છે. લેખમાં જણાવાયું છે કે ભારતને હિંદ મહાસાગરમાં વિશિષ્ટ ભૌગોલિક લાભ મળે છે. સરહદ વિવાદની વચ્ચે ચીનના વર્ચસ્વને સ્વીકારવું એ બતાવે છે કે બેઇજિંગ સામે મોદી સરકારની વ્યૂહરચના અસરકારક સાબિત થઈ છે.
‘ભારતે બીડું ઝડપ્યું’
ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં 17 ડિસેમ્બરના રોજ ‘વૈશ્વિક મહત્વાકાંક્ષા માટેના બહુપક્ષીય મિકેનિઝમ્સ પ્રત્યે ભારતનું બદલાતું વલણ’ મથાળાની સાથે એક લેખ છપાયો છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર હુ શિશેંગ (Hu Shisheng) દ્વારા લખેલા આ લેખમાં કહ્યું છે કે ભારતે હિંદ મહાસાગરમાં બહુપક્ષીય સહકાર મિકેનિઝમ્સના આયોજનની પહેલ કરી છે. ભારતને આ ક્ષેત્રમાં અનોખા ભૌગોલિક ફાયદાઓ છે.
ભારત સમાન વિચારધારાવાળા લોકોને સાથે લાવશે
ઇન્ડિયન ઓશન રિમ એસોસીએશન (IORA)ના અંતર્ગત ભારત એક સરખી વિચારસરણી ધરાવતા દેશોની સાથે લાવી રહ્યા છે જેથી કરીને ચીનની વિસ્તારવાદી ટેવને જડબાતોડ જવાબ આપી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે કોરોના મહામારીને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતમાંથી હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) માં ખોરાક અને દવાઓના સપ્લાયમાં વધારો કર્યો છે. આ સમય દરમિયાન ભારતે માલદ્વીપ, મોરેશિયસ, મેડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સને મદદ કરી છે. ભારત ઈચ્છે છે કે ચીન સાથેની સ્પર્ધા માટે તમામ દેશો એક થઈ જાય અને તે મુજબ તે આગળ વધી રહ્યું છે.
ઘણા મોરચા પર ઘેરવાની તૈયારી
મોદી સરકારે સમુદ્રમાં ચીન સાથે સ્પર્ધા કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરી છે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિએટિવ (IPOI)નો પ્રસ્તાવ મૂકયો હતો, તેના અંતર્ગત ઓસ્ટ્રેલિયા, જાપાન અને આસિયાન ગ્રુપના દેશોએ દરિયાઇ સુરક્ષાથી લઈને પરિવહન સુધીના મુદ્દાઓ પર ભારત સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય ઘણા મોરચા પર બેઇજિંગને પાઠ ભણાવવા માટે કામ થઇ રહ્યું છે.
11 દેશોને ઉપલબ્ધ કરાવી મદદ
ગુરુગ્રામ સ્થિત ભારતનું Information Fusion Centre હિંદ મહાસાગરમાં જહાજોની અવરજવર પર નજર રાખે છે. આ કેન્દ્ર પ્રદેશની રીઅલ-ટાઇમ માહિતી માટે નોડલ સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. અમેરિકા અને ફ્રાંસ પહેલેથી જ તેમના સંપર્ક અધિકારીઓને અહીં મોકલી દીધા છે. આ સિવાય બીજા ઘણા દેશો પણ તેમાં જોડાઈ રહ્યા છે. પોતાના સંરક્ષણ તાલીમ કાર્યક્રમોની અંતર્ગત ભારતે 11 દેશોને મોબાઇલ ટ્રેનિંગ ટીમ આપી છે, જેમાં વિયેટનામ, દક્ષિણ આફ્રિકા તેમજ શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર પણ સામેલ છે.
IORA શું છે?
ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન (IORA) એ કેટલાંય દેશોની એક બહુપક્ષીય સંસ્થા છે. 1997માં રચાયેલી આ સંસ્થામાં હાલમાં તેના સભ્યો તરીકે 22 દેશો છે અને તેમાં 10 દેશો સંવાદ ભાગીદાર તરીકે સામેલ છે. ભારત IORAના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. IORA એક સુરક્ષિત, વિશ્વસનીય અને સ્થિર ક્ષેત્રની સ્થાપના માટે સંવાદ આધારિત દ્રષ્ટિકોણોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાથમિક મંચોમાંથી એક છે, જે બધાને સમૃદ્ધિ પ્રદાન કરે છે.