ગત વર્ષે પ્રથમ છ માસમાં ૨૨૯૧૬ પેઢીઓ અને ૧૨૬૩૬ કર્મચારીઓએ વ્યવસાય વેરા પેટે રૂા.૨૦.૯૭ કરોડ ભર્યા હતા, આ વર્ષે ૧૧૬૩૬ પેઢીઓ અને ૧૦૭૫૪ કર્મચારીઓએ માત્ર ૯.૮૨ કરોડ પ્રોફેશનલ ટેકસ ભર્યો
નવા રજિસ્ટ્રેશનમાં પણ ઘટાડો: જો કે ગત વર્ષે વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજનાનો લાભ મળ્યો હતો, આ વર્ષે લોકડાઉન નડી ગયું

છેલ્લા ૭ મહિનાથી કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે ગત એપ્રીલ અને મે માસમાં લાદવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદની સ્થિતિના કારણે કોર્પોરેશનને પ્રોફેશન ટેકસ પેટે થતી આવકમાં જબરો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં વ્યવસાય વેરા પેટે રૂા.૨૦.૯૭ કરોડની આવક થવા પામી હતી. જેની સામે આ વર્ષે માત્ર રૂા.૯.૮૨ કરોડની આવક થવા પામી છે. વ્યવસાય વેરાની આવકમાં ૧૧ કરોડનું ગાબડુ પડતા મહાપાલિકાની આર્થિક સ્થિતિ પર અસર થવા પામી છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના મુકવામાં આવી હતી. જેનો લાભ મળ્યો હતો. આ વર્ષે લોકડાઉન સારા એવા પ્રમાણમાં નડી ગયું છે.

કોર્પોરેશનના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત વર્ષે ૧લી એપ્રીલથી લઈ ૩૦ સપ્ટેમ્બર સુધીના નાણાકીય વર્ષના પ્રથમ છ માસના સમયગાળામાં ૩૮૮૩ પેઢીઓએ વ્યવસાય વેરા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને કુલ ૨૨૯૧૬ પેઢીઓએ વ્યવસાય વેરા પેટે રૂા.૧૩૨૩૧૯૮૧૭ જમા કરાવ્યા હતા. જ્યારે ગત વર્ષે ૧૮૩ નવા કર્મચારીઓની પ્રથમ છ મહિના દરમિયાન પ્રોફેશન ટેકસ ટેકસ માટે નોંધણી થવા પામી હતી અને કુલ ૧૨૬૩૭ કર્મચારીઓએ વ્યવસાય વેરા પેટે ૭૭૪૧૯૩૪૯ કોર્પોરેશનની તિજોરીમાં જમા કરાવ્યા હતા. આમ મહાપાલિકાને વ્યવસાય વેરા પેટે ગત વર્ષે આ સમયગાળામાં રૂા.૨૦.૯૭ કરોડની આવક થવા પામી હતી.

જ્યારે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે લાગુ કરવામાં લોકડાઉન અને ત્યારબાદ શરૂ કરાયેલી અનલોકની પ્રક્રિયામાં ધંધા રોજગારમાં ધારી તેજી જોવા મળતી નથી જેની સીધી અસર ટેકસની આવક પર પડી રહી છે. આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૫૪૯ નવી પેઢીઓએ વ્યવસાય વેરા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ ૩૩૩૪ ઓછી છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૩૩૬ પેઢીઓએ વ્યવસાય વેરા પેટે કોર્પોરેશનની તિજોરીમાં રૂા.૩૨૧૩૭૨૪૦ જમા કરાવ્યા છે તો આ વર્ષે પ્રથમ છ માસમાં વ્યવસાય વેરા માટે માત્ર ૮૨ નવા કર્મચારીની નોંધણી થવા પામી છે જે ગત વર્ષ કરતા ૧૦૧ જેટલી ઓછી છે. આજ સુધીમાં ૧૦૭૫૪ કર્મચારીઓએ વ્યવસાય વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં રૂા.૬,૫૯,૬૮,૪૭૪ જમા કરાવ્યા છે. ચાલુ સાલ વ્યવસાય વેરો ભરવામાં ૧૧૨૮૦ પેઢીઓ અને ૧૮૮૩ કર્મચારીઓ અત્યાર સુધી દૂર રહ્યાં છે જેના કારણે મહાપાલિકાની પ્રથમ છ મહિનામાં વ્યવસાય વેરા પેટે થતી આવકમાં ૧૧.૧૫ કરોડનું ગાબડુ પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા બાકી વ્યવસાય વેરા પર વ્યાજ માફીની યોજના મુકવામાં આવી હતી. જેના કારણે પ્રથમ છ માસમાં અંદાજે ૨૧ કરોડ રૂપિયા વ્યવસાય વેરા પેટે આવક થવા પામી હતી. દરમિયાન આ વર્ષે આવી કોઈ યોજના અમલમાં નથી ઉપરાંત ૨ મહિનાના લોકડાઉનના કારણે પ્રોફેશનલ ટેકસની આવકમાં ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here