અમદાવાદ શહેરની મ્યુનિ. સંચાલિત SVP હોસ્પિટલમાં દિવાળી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા 600 ઉપર પહોંચી જતા, નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવાયું હતું. દર્દીઓની સંખ્યા ઘટીને હવે 186 જેટલી થઈ જતાં SVP હોસ્પિટલના છેલ્લાં નવ મહિનાથી બંધ પડેલાં સારવારના અન્ય વિભાગો પણ ક્રમશ: ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલ તા. 22મી ડિસેમ્બરથી જુદાં જુદાં વિભાગો પૂર્વવત ચાલુ થઈ જશે.

નવ મહિનાથી બંધ પડેલાં સારવારના અન્ય વિભાગો પણ ક્રમશ: ચાલુ કરવાનો નિર્ણય

આ અંગે મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે કે પ્રથમ તબક્કે જનરલ મેડિસીન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, ચામડીના રોગો, સાઈક્રીઆટ્રી, ટીવી વગેરે શાખાઓમાં નિદાન અને સારવારની કામગીરી ચાલુ થઈ જશે ઓપીડી, દર્દીને દાખલ કરી ઇન્ડોર પેસન્ટ તરીકે સારવાર તેમજ જરૂરી ઓપરેશનો કરવાનું શરૂ થઈ જશે. આ ઉપરાંત કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરાસીક, ન્યારો મેડિસીન, ન્યુરોસર્જરી, ગેસ્ટ્રો મેડિસીન, ગેસ્ટ્રો સર્જરી, રૂમેટોલોજી, પ્લાસ્ટીક સર્જરી, એન્ડોક્રાઇનોલોજી, બાળકોના ઓપરેશન વગેરે સુપર સ્પેશિયાલીટી ધરાવતા વિભાગો કાર્યરત થઈ જશે.

OPD સહિતના વિભાગો ફરી શરૂ થશે

કોરોનાની સારવાર માટે એસવીપી હોસ્પિટલે સારી એવી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં કોરોનાના 12000થી વધુ દર્દીઓને સારવાર કરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓના ઓપરેશન કરી પ્રસુતિ પણ કરાવાઈ છે. કોરોનાના ટેસ્ટની સુવિધા પણ રાતોરાત ઉભી કરાઈ હતી.

દર્દી અને સ્ટાફને સંક્રમણ લાગે નહીં, ચેપનો ભોગ ના બને તે માટે અલગ-અલગ વિભાગોની સ્પેશ્યલ ડિઝાઇન કરવામાં આવેલ

હાલ કોરોનાની સારવાર ચાલુ છે અને અન્ય રોગના દર્દીઓને પણ દાખલ કરાય તો દર્દી અને સ્ટાફને સંક્રમણ લાગે નહીં, ચેપનો ભોગ ના બને તે માટે અલગ-અલગ વિભાગોની સ્પેશ્યલ ડિઝાઇન કરવામાં આવેલ છે. હાલમાં એસવીપી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ પથારીઓ, સંશાધનો, ડૉક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ, આઇસીયુની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત સેવા શરૂ કરાશે જ્યારે ઇમરજન્સી સેવાઓ, મા કાર્ડ, પ્રધાનમંત્રી યોજનાના કાર્ડ ધારકોની સેવાઓ બંધ રહેશે. જે બીજા તબક્કે ચાલુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here