કોરોનાનો રોગચાળો અટકાવવા માટે પોલીસે કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ગંભીરતા નહીં સમજીને માસ્ક નહીં પહેરનાર લોકોએ સાત જ દિવસમાં 8.82 કરોડ રૂપિયા દંડપેટે ચૂકવ્યાં છે. દરરોજ સવા કરોડનો દંડ વસૂલી સરકારી તંત્રની આવક માટે કોરોના સવાયો પૂરવાર થઈ રહ્યો છે.

પોલીસે એક અઠવાડિયામાં 88593 વ્યક્તિને દંડયા
કોરોનાને અટકાવવા માટે પોલીસ તંત્ર સરકારે જારી કરેલા નિયમોની કડક અમલવારી કરાવી રહ્યું છે. નિયમોનો ચૂસ્ત અમલ કરાવવા માટે કામગીરી કરી રહેલી પોલીસે તા. 14થી 20 દરમિયાનના એક અઠવાડિયામાં રાજ્યમાં 88593 વ્યક્તિને દંડયા છે.
પોલીસે કુલ 8.82 કરોડ રૂપિયા દંડપેટે વસૂલ્યાં છે અને 3832 લોકો સામે ગુના નોંધ્યાં છે. આ સમયગાળામાં કર્ફ્યૂ ભંગ બદલ કુલ 6063 વાહનો જબ્ત કરવામાં આવ્યાં છે અને જાહેરનામા ભંગ બદલ 8536 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

લોકોને માસ્ક પહેરવાની આદત પડે તો કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાશે
દિવાળીમાં કોરોનાના રોગચાળાએ ભયંકર ઉથલો માર્યો હતો તે સ્થિતિમાં ધીમે ધીમે રાહતની સ્થિતિ છે. હાલમાં રાત્રી કર્ફ્યૂ ચાલુ છે અને લંબાય તેવી શક્યતા રહેલી છે. આ સ્થિતિમાં લોકોને માસ્ક પહેરવાની આદત પડે તો કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય તેમ છે. પોલીસે મહદ્દઅંશે માસ્ક નહીં પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓ સામે દંડ વસૂલાતની કાર્યવાહી કરે છે.