સુશાંત 14 જૂને મુંબઈના તેના ઘરે મૃત હાલતમાં મળ્યો હતો. ત્યારથી સતત તેનો પરિવાર મર્ડરની શંકા વ્યક્ત કરી રહ્યું છે.
- AIIMSની ટીમે થોડા દિવસ પહેલાં CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો
- તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી હતી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 110 દિવસ પછી મોટો ઘટસ્ફોટ થયો છે. કેસમાં CBIની મદદ કરી રહેલી AIIMSની પેનલે તેના રિપોર્ટમાં હત્યાની શંકાને નકારી કાઢી છે. રિપોર્ટ્સ મુજબ, AIIMSની પેનલના હેડ ડૉ. સુધીર ગુપ્તાએ એક વાતચીતમાં કહ્યું હતું કે આ ક્લિયર કટ આત્મહત્યાનો કેસ છે. તેનું મર્ડર નથી થયું. જોકે હજુ સુધી CBI તરફથી આની ઓફિશિયલ પુષ્ટિ થવાની બાકી છે.
વિસેરામાં ઝેર મળ્યું ન હતું
સુશાંતના ઓટોપ્સી રિપોર્ટની તપાસ માટે 21 ઓગસ્ટે ડૉ. સુધીર ગુપ્તાની લીડરશિપ હેઠળ AIIMSના પાંચ ડોક્ટર્સની ટીમ બનાવવામાં આવી હતી. ટીમ 20 સપ્ટેમ્બરે રિપોર્ટ સબમિટ કરવાની હતી, પણ 8 દિવસ મોડું થયું. 28 સપ્ટેમ્બરે AIIMS દ્વારા રિપોર્ટ CBIને સોંપવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમને વિસેરામાં કોઈપણ પ્રકારનું ઝેર મળ્યું નથી.
કૂપર હોસ્પિટલને ક્લીન ચિટ અપાઈ નથી
સૂત્રોના જણાવ્યા મુજબ, રિપોર્ટમાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરનારા મુંબઈની કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સને ક્લીન ચિટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઓટોપ્સી કરી હતી. પાછળથી તેમની કામ કરવાની રીતને લઈને સવાલ ઊઠ્યા હતા. સુશાંતના ગળા પરનાં નિશાનને લઈને રિપોર્ટમાં કઈ પણ માહિતી ન હતી. ત્યાં સુધી કે મૃત્યુના ટાઈમિંગનો પણ ઉલ્લેખ ન હતો. ત્યાર બાદ CBI દ્વારા તેની તપાસ AIIMSને સોંપવાનો નિર્ણય લેવાયો હતો.
મુંબઈ પોલીસની તપાસમાં ફાઉલ પ્લે મળ્યો ન હતો
અંદાજે ત્રણ મહિના પહેલાં મુંબઈ પોલીસે પણ વિસેરા રિપોર્ટ જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ પછી સુશાંતના વિસેરાની તપાસ માટે કાલિના ફોરેન્સિક લેબમાં આપવામાં આવ્યા હતા. લેબ દ્વારા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતના શરીરમાં કોઈપણ પ્રકારનાં શંકાસ્પદ કેમિકલ કે ઝેર મળ્યાં નથી.