બાબરા તાલુકાના ગરણી ગામે પરિવાર સાથે રહેતા વૃદ્ધ રાત્રે પોતાની ગામ નજીક આવેલ ખેતીની જમીનનું રખોપું કરવા ગયા બાદ વહેલી સવારે વાડીના ગોડાઉનમાં રહેલો મગફળી તેમજ કપાસનો જથ્થો સળગતી હાલતમાં મળી આવ્યા હતો અને વૃદ્ધ વાડી નજીકના લીમડાના વૃક્ષ હેઠળ લોહી નિતરતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવતા વાડીએ દુધ લેવા ગયેલા પુત્ર તેમજ પુત્રવધુ અવાક બની ગયા બાદ બાબરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતકના પુત્રે પોતાના પિતાની હત્યા અને વાડીના ગોડાઉનમાં પડેલ મગફળી કપાસના જથ્થામાં આગ લગાડનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બીજી બાજુ જસદણ ફાયરથી બોલાવેલા ફાયર ફાઈટર આધારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. બાબરાના ગરણી ગામે રહેતા વૃદ્ધ ખેડૂત કલાભાઈ માધાભાઈ કલકાણી (ઉ.વ.75) પોતાની ગામ નજીક આવેલ વાડીએ રાત્રે રાબેતા મુજબ સુવા માટે ગયા બાદ વહેલી સવારે પુત્ર જયસુખભાઈ તેમજ પુત્રવધુ શોભાનાબેન દૂધ લેવા માટે વાડીએ આવતા વાડીના ગોડાઉનમાંથી ધુમાડા નીકળતા દેખી કંઈક અજુગતું બન્યાના અંદાજ પામી તપાસ કરતા વાડીના જુદા જુદા ગોડાઉનમાં રાખેલ કપાસ મણ 200 તેમજ બે ગોડાઉનમાં રાખેલ મગફળીનો જથ્થો 300 મણ કિંમત રૂપિયા પાંચ લાખનો સળગતી હાલતમાં મળી આવ્યો હતો.

બાદ રાત્રે વાડીના ગોડાઉનમાં સુવા માટે આવતા વૃદ્ધની તપાસ કરતા નજીકમાં આવેલ લીમડાના ઝાડ નીચે મોઢા અને નાકમાંથી લોહી નીકળતી હાલતમાં મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યાનું પોલીસ ફરિયાદમાં પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મૃતક રોજ પોતાની વાડીએ સુવાની ટેવ ધરાવતા હતા અને વાડીમાં પશુપાલન માટે ભેંસ રાખેલ છે જ્યારે સવારે છ વાગ્યા આજુબાજુ પરિવારના સભ્યો દૂધ લેવા માટે વાડીએ આવેલા ત્યારે બનાવ બન્યાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય તેમજ એ.એસ.પી સભય સોનીના માર્ગદર્શન મુજબ બનાવ અંગે મૃતકના વિકલાંગ પુત્ર જયસુખભાઈ કલાભાઈ કલકાણીની વિધિવત ફરિયાદના એફએસએલ ડોગ સ્કોવોડ સહિત તપાસ પીઆઈ દીપક પ્રસાદ દ્વારા હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here