નાઈજિરિયામાં બળવાખોર આતંકવાદી સંગઠન બોકો હરામનો કેર પ્રજાજનોને કનડતો રહ્યો. ડિસેમ્બર મહિનામાં જ બોકો હરામે ૩૩૦ જેટલા નાઇજિરિયન વિદ્યાર્થીઓના અપહરણ કર્યા હતા. નાનકડો ઓડિયોે સંદેશો જારી કરીને બોકો હરામે વાયવ્ય નાઈજિરિયામાંથી ર્બોિંડગ સ્કૂલના વિદ્યાર્થીઓના અપહરણ કરીને તેમને બાનમાં લીધા હોવાની જાણકારી આપી હતી.સંગઠનના વડા અબુબકર શેકાઉએ કસ્તિના પ્રાંતમાંથી થયેલા અપહરણની જાણકારી આપી હતી. કંકરા ખાતેની સરકારી વિજ્ઞાાન માધ્યમિક શાળામાંથી વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. બોકો હરામ સંગઠનનું કહેવું હતું પાૃાત્ય શિક્ષણનો વ્યાપ ઘટાડવા અને તેને અટકાવવાના હેતુસર વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યા હતા.
બોકો હરામ સંગઠન પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના પ્રદેશોમાં સક્રિય છે. તેઓ ઇચ્છે છે કે નાઈજિરિયામાં શરિયા કાયદો અમલમાં આવે અને પશ્ચિમી સંસ્કૃતિ અને શિક્ષણ બંધ થાય. જોકે અપહરણ થયાના એક જ સપ્તાહમાં વિદ્યાર્થીઓ બોકો હરામની ચુંગાલમાંથી મુક્ત થયા હતા. રાજ્ય સંચાલિત ટીવીએ જાણકારી આપી હતી કે વિદ્યાર્થીઓ સુરક્ષા અધિકારીઓ સુધી પહોંચતાં તેમની શારીરિક તપાસ કરીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓની મુક્તિ માટે સરકારને કોઈ ખંડણી ચૂકવવી પડી હતી કે તે અંગે અધિકારીએ કોઈ સ્પષ્ટતા નહોતી કરી.
બોકો હરામ સંગઠન નાઈજિરિયા ઉપરાંત ચાડમાં પણ સક્રિય છે. ગયા માર્ચ અને એપ્રિલ મહિનામાં ચાડ સરોવર નજીક સુરક્ષા દળોએ અભિયાન ચલાવતાં સર્જાયેલી અથડામણમાં ૫૨ સૈનિકો અને ૧,૦૦૦ જેહાદી માર્યા ગયા હતા. એપ્રિલ મહિનામાં ચાડની રાજધાની ખાતે આવેલી જેલમાં બોકો હરામ જૂથના ૪૪ શંકાસ્પદ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એવી શંકા સેવાઈ રહી છે કે કેદીઓએ કોઈ એવા પદાર્થનું સેવન કર્યું હતું કે જે હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસમાં જટિલતા સર્જી શકે. ચાડ સરોવર ખાતે બોકો હરામ સામે હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન ઝડપાયેલા ૫૮ શંકાસ્પદ જેહાદીઓ પૈકીના ૪૪ જેહાદી જેલમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. દેશના મુખ્ય પ્રોસિક્યૂટર યુસુફ ટોમે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ કિસ્સો સામૂહિક આત્મહત્યાનો હતો.
બોકો હરામ સામે સુરક્ષા દળો ભલે ગમે તેટલા અભિયાન ચલાવે પરંતુ તેઓ બમણા વેગથી આતંકી હુમલા કરતા રહે છે. નવેમ્બર મહિનામાં પણ ઉત્તર નાઈજિરિયાના માઇદુગુરી શહેર નજીક બોકો હરામના આતંકીઓએ કરેલા હુમલામાં ૪૩ ખેડૂતો માર્યા ગયા હતા. આ ઘટનામાં અન્ય છને ઈજા પણ પહોંચી હતી. જેહાદીઓ સામે જંગ લડી રહેલા નાઈજિરિયાના એક લડાકુ જૂથે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે બોકો હરામના જેહાદીઓએ કોશોબે ગામે કૃષિ શ્રમિકોને દોરડે બાંધીને તેમનો શિરચ્છેદ કર્યો હતો.