જાહેરખબર કરવાના બહાને મોબાઈલ ફોન એપ્લિકેશનથી ચિટિંગનો ચક્રવ્યૂહ Whatsapp ગ્રુપ બનાવીને રચવામાં આવ્યું હતું. આનંદનગર પોલીસે આવા પાંચ વોટ્સ-એપ ગ્રુપમાં સક્રિય ૭૦૦ જેટલા સભ્યોની વિગતો મેળવી છે. ૧૫૦૦ – ૧૫૦૦ રુપિયા ભરીને સભ્ય બનેલા લોકોને ભોગ બનનાર તરીકે બોલાવીને નિવેદનો નોંધવા માટે પોલીસે તૈયારી શરુ કરી છે.

Whatsapp ઠગાઈના સંચાલકની આખરે ધરપકડ

આનંદનગર રોડ પર પ્રહલાદનગરમાં ઈન્દ્રપ્રસ્થ-૩માં આવેલી ઓફિસ લુક એન્ડ લાઈક નામની સ્કીમ ચલાવવા માટે મહિને ૧ લાખના ભાડેથી રાખવામાં આવી હતી. હદ તો એ વાતની છે કે, પોલીસે કબજે લીધેલા કોમ્પ્યુટર્સ પણ ભાડેથી રાખવામાં આવ્યાં હતાં. શોપીંગ પોર્ટલ ઓનલાઈન સર્વિસ ચલાવતી જેલીપાઈ નામની કંપનીના અમદાવાદના સંચાલક શેરા ઉર્ફે શૈલેષ છોગાજી વજીરનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં તેની વિધીવત ધરપકડ કરાઈ છે. મુખ્ય સંચાલક ગ્વાલિયરનો અવિનાશ શર્મા અને મુંબઈનો રાજકુમાર નામના શખ્સ વોન્ટેડ છે.

પોલીસ દરોડામાં પાંચ કોમ્પ્યુટર્સ અને મોબાઈલ જપ્ત

આનંદનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.આર. ચૌહાણને બાતમી મળી હતી કે, વડોદરામાં ઓનલાઈન એપ્લિકેશનથી ચિટિંગ કરતો શૈલેષ વજીર નામનો શખ્સ હવે પ્રહલાદનગર રોડ પર ઈન્દ્રપ્રસ્થ-૩માં સાતમા માળે આવેલી જેલીપાઈ નામની કંપનીમાં  વોટ્સ-એપ ગ્રુપ્સ બનાવીને મલ્ટીલેવલ માર્કેટિંગના બહાને ચિટિંગનો ચક્રવ્યૂહ રચી રહ્યો છે. પોલીસે દરોડો પાડીને કુલ પાંચ કોમ્પ્યુટર્સ અને મોબાઈલ ફોન કબજે કર્યાં હતાં. પોલીસે તપાસ કરતાં લૂક એન્ડ લાઈક એપ્લિકેશનના આધારે પાંચ વોટ્સ-એપ ગ્રુપ મળ્યાં હતાં.

Whatsapp

વેબ ડીઝાઈનિંગના નામે ચાલતો હતો ધંધો

લૂટ એન લાઈક લિડર્સ, આઈમોન રાધે શ્યામજી, એનજીઓ બૂક બેન્ક ઓલ ઈન્ડિયા, ઈટીટી ગ્લોબલ ટીમ ૧ લિન્ક, બીટીસી એનટ્રોન લિટર નામના પાંચ ગ્રુપમાં કુલ ૭૦૦ જેટલા મેમ્બર હોવાનું જણાયું છે. આ ઓફિસમાં કામ કરતાં પાંચ કર્મચારીને ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે રખાયા હોવાનું કહેવાયું હતું. જ્યારે જેલીપાઈ નામની કંપની વેબ ડીઝાઈનિંગના ઓઠાંતળે ઓફિસ ચલાવીને મલ્ટી લેવલ માર્કેટિંગના અચળા હેઠળ ચિટિંગનું કૌભાંડ ચલાવતી હતી.

કોરોના રિપોર્ટ નેગેટિવ આતા આખરે ધરપકડ

આ ઓફિસનું સંચાલન કરતાં શેરા ઉર્ફે શૈલેષ છોગાજી વજીરની વિધીવત ધરપકડ કરાયાનું પી.આઈ. એસ.જી. બલોચે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, શૈલેષ આ વર્ષે જ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જ પ્રકારની એક બીજી કંપનીની ચિટિંગ કરતો હોવાની વિગતો મળી છે. વડોદરામાં કૌભાંડ પકડાયા પછી ડીસેમ્બર મહિનાની શરુઆતથી જ અમદાવાદમાં કૌભાંડ શરુ કરવામા આવ્યું હતું.

વિડીયો લાઈક અને શેર કરવાના આપતા હતા પૈસા

૧૫૦૦ રુપિયા જમા કરાવી સભ્ય બને તેમને પોઈન્ટ આપવામાં આવતાં હતાં. દરરોજ 4 વિડિયો લાઈક કરવાના અને 3 વિડિયો શેર કરવાના થતાં હતાં. જે તે મેમ્બર પોતાના હાથ નીચે જેટલા વધુ સભ્ય બને તેટલાં વધુ પૈસા ચૂકવવામાં આવતાં હતાં. જુદા જુદા વોટ્સ-એપ ગ્રુપમાં ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારના લોકો સામેલ થયેલાં જોવા મળ્યાં છે.

મલ્ટી લેવલ માર્કેટિંગના નામે કંપનીઓ પાસેથી કમાણી

પોલીસનું કહેવું છે કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજુરી વગર જ કંપની ચલાવાતી હોવાની ફરિયાદ નોંધી કાર્યવાહી શરુ કરાઈ છે. આ કંપની ૧૫૦૦ રુપિયા વસૂલી ૧૨૦ દિવસની મેમ્બરશીપ આપતી હતી. આ રીતે દરેક નવા મેમ્બર પાસેથી ૧૫૦૦ – ૧૫૦૦ રુપિયા વસૂલી તેમના પૈસા ટૂકડે ટૂકડે પરત કરવામાં આવતાં હતાં. મલ્ટીલેવલ માર્કેટિંગના નામે લોકો થકી તેમના જ પૈસે કંપનીઓનું માર્કેટિંગ કરવા પાછળ પૈસા પડાવવાનું કારસ્તાન હોવા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

120 દિવસ થાય એટલે બીજા 1500 રૂપિયા વસૂલી કરાવી કૌભાંડ

જેલીપાઈ નામની કંપની દ્વારા લુક એન્ડ લાઈક નામની એપ્લિકેશનથી મલ્ટીલેવલ માર્કેટિંગ ચલાવતા હોવાનું જાહેર કરી ઠગાઈનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કંપની દ્વારા ૧૫૦૦ રુપિયા ભરે તેને મેમ્બર્સ બનાવવામાં આવતાં હતાં. બદલામાં કંપની કહે તે હોટલ, ફ્લાઈટ, મોબાઈલ રિચાર્જ વગેરેમાં કન્સેશન કે મફતનો લાભ આપવાની ખાતરી અપાતી હતી. ૧૫૦૦ રુપિયા ભરનાર આ મેમ્બર તેની ચેઈનમાં એક વ્યક્તિ ઉમેરે એટલે ૨૧ રુપિયા તેના ખાતામાં જમા કરાવાતા હતા.

આ ઉપરાંત, ગ્રુપમાં આગળ સબસ્ક્રાઈબર બનતાં જાય તેમ ૭૫ રુપિયા અપાતાં હતાં. જો ૧૦૦ લોકોની લાઈક થાય તો ગ્રુપ લિડરને ૨૦૦ રુપિયા ચૂકવવાની ખાતરી અપાતી હતી. ૧૫૦૦ રુપિયા એકસાથે લઈ ટૂકડે ટૂકડે ચૂકવણી કરાવવામાં આવતી હતી. ૧૨૦ દિવસ થાય એટલે બીજા ૧૫૦૦ રૂપિયા વસૂલી કૌભાંડ આગળ ધપાવાતું હતું. એપ્લિકેશનમાં જાહેરખબરના વિડિયો મોકલવામાં આવતાં હતાં. આ જાહેરખબર લોકોમાં પહોંચતી કરીને મલ્ટીલેવલ માર્કટિંગના નામે કંપનીઓ પાસેથી કમાણી કરવામાં આવતી હતી. આમ, લોકોના પૈસા લૂક અને લાઈક કરાવીને કમાણી કરવાનો ધંધો લાઈસન્સ વગર કરવામાં આવતો હોવાથી ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here